મોરબી જિલ્લામાં આગામી તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૦ થી ૫ વર્ષનાં તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવશે.
નેશનલ ઇમ્યુંનાઈઝેશન ડે નીમતે ૨૩ જૂનની કામગીરી અન્વયે માન.જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં પોલિયો સ્ટીયરિંગ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન મોરબી જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૧૨૩૬૦૮ બાળકોને જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પ્રથમ દિવસે ૬૩૧ બુથ પર પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે તો બીજા અને ત્રીજા દિવસે ૧૧૬૧ ટીમ દ્વારા બાકી રહી ગયેલા બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. જિલ્લામાં ૨૫ ટ્રાનઝીટ ટીમ દ્વારા રેલવે સ્ટેશન, બાદ સ્ટેશન, હાઇવે, જાહેર સ્થળ પર બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ મોરબી જિલ્લામાં ઔધગિક વિસ્તારમાં કારખાનાનાં બાળકો માટે ૪૮૩ મોબાઈલ ટીમ પોલિયોનાં ટીપાં પિવડવશે.
૨૩ જૂન ૨૦૨૪ રવિવારનાં દિવસે ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બુથ ઉપર લઇ જઇ પોતાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.