રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને લોકોના આરોગ્યની જાળવણી થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે આ લેખ સિરીઝમાં આપણે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાયેલા ફુગનાશકો અને દવાઓ વિશે જાણકારી મેળવીશું..
ખાટી છાશનું મિશ્રણ બનાવવાની રીત :
૭- ૧૦ દિવસ જૂની ૧૦ લીટર ખાટી છાશ લો. આ છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો પાકમાં છંટકાવ કરી શકાય છે. ખાટી છાશ એ કુદરતી ફૂગનાશક છે. તે પાકમાં રહેલા વિષાણુ અને ફૂગનો નાશ કરે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
બીજામૃત બનાવવાની રીત :
૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૫ કિગ્રા દેશી ગાયનું છાણ, ૫૦ ગામ ચૂનો, ૧ મુઠ્ઠી વૃક્ષ નીચેની માટી- આ તમામ મિશ્રણને ૨૦ લીટર જેટલા પાણીમાં વ્યવસ્થિત રીતે ઓગાળી દો. ત્યારબાદ આ મિશ્રણને ૨૪ કલાક સુધી રાખી મૂક્યા બાદ ૧૦૦ કિગ્રા જેટલું બિયારણ કરતી વખતે પટમાં આપવું જોઈએ.
સુંઠાસ્ત્ર બનાવવાની રીત :
૨૦૦ ગ્રામ સૂંઠનો પાવડર અથવા તો વાવડીંગ પાવડરને ૨ લીટર પાણીમાં અડધો ભાગ રહે તેટલું ઉકાળી લો. આ પ્રવાહી ઠંડુ પડયા બાદ ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળો. મલાઈ કાઢ્યા બાદ ૨૦૦ લીટર પાણીમાં આ ઉકાળો અને દૂધ વ્યવસ્થિત રીતે ઓગાળી દો. આ મિશ્રણને ૨ કલાક રાખી મૂક્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે.