જિલ્લા સેવા સદનમાં ગંભીર રીતે બીમાર ગલુડીયાને તાત્કાલિક સારવાર આપીને તેનો જીવ બચાવ્યો
સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં દિવ્યાંગ, નબળા, બીમાર પશુઓની મદદ માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓ, દવા, સાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં ૧ વેટરનરી ઓફિસર અને ૧ પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ અબોલ જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળી શકે છે.
તાજેતરમાં શોભેશ્વર રોડ પર સ્થિત જિલ્લા સેવા સદનમાં અતિ ગંભીર હાલતમાં ૬ મહિનાનું ગલુડીયું મળી આવ્યું હતું. તેને બ્લીડિંગ, ડીહાયડ્રેશન અને એક્સેસિવ યુરીનની સમસ્યા હતી. જેથી તેના જીવ પર ખતરો તોળાયો હતો. આ અંગે ૧૯૬૨ કરુણા હેલ્પલાઇન પર જિલ્લા માહિતી કચેરી દ્વારા જાણ કરવામાં આવી હતી. આ કોલ મળ્યાના માત્ર ૫ મિનિટમાં જ મોરબી કરુણા હેલ્પલાઈન ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને બીમાર પશુને તાત્કાલિક સારવાર પૂરી પાડી હતી. આમ તેનો જીવ બચી ગયો હતો.
આ સમગ્ર કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરી, જિલ્લા તિજોરી કચેરી, સિક્યોરીટી સ્ટાફ અને કરુણા હેલ્પલાઇનના કર્મચારીગણનો સહયોગ મળ્યો હતો.