*UNSDGના ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને સાકાર કરવાની દિશામાં મહત્ત્વનો પડાવ બનશે અમદાવાદ*
અમદાવાદ
અમદાવાદમાં આગામી મહિને અર્બન-20 (U-20)ની મહત્ત્વની બેઠક યોજાવા જઈ રહી છે. U-20 એ જી-20 દેશોના શહેરોનું જૂથ છે. 9 અને 10 ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ બેઠકમાં વિવિધ દેશોના પ્રતિનિધિમંડળ સામેલ થશે. અમદાવાદમાં યોજાનાર બેઠક U-20 સાઇકલની છઠ્ઠી બેઠક છે. એટલે કે આ અગાઉ 5 વર્ષમાં અલગ અલગ દેશોમાં આ બેઠક મળી હતી. છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં U-20 બેઠક મળી હતી. પણ અમદાવાદમાં યોજાનાર બેઠક માત્ર U-20 જ નહીં પણ UNSDG (યુનાઇટેડ નેશન્સ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગ્રુપ)ના ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને સાકાર કરવાની દિશામાં મહત્ત્વનું ડગ પુરવાર થશે. UNSDGએ આ દાયકાને નક્કર કાર્યવાહીનો દસકો એટલે કે ડીકેડ ફોર એક્શન જાહેર કર્યો છે. અમદાવાદમાં યોજાનાર U-20 બેઠકનો મૂળ હેતુ ઈરાદાઓને નક્કર કાર્યવાહીમાં તબદીલ કરવાનો છે. U-20 શહેરોના લીડર્સ તથા શેરપા આવતા મહિને અમદાવાદમાં આ કાર્યવાહીની રુપરેખા નક્કી કરશે. અમદાવાદમાં યોજાનાર છઠ્ઠી U-20 બેઠકમાં મુખ્યત્વે 6 મુદ્દે ફોકસ રહેશે. જેમાં પર્યાવરણને અનુકૂળ વર્તનને પ્રોત્સાહન, જળ સુરક્ષા, ક્લાઇમેટ ફાયનાન્સને વેગ, સ્થાનિક ઓળખને પ્રાધાન્ય, શહેરી સંચાલન અને આયોજન તથા શહેરી જીવનની સુવિધાઓનું ડિજીટલાઇઝેશનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હાલ અડધાથી વધુ માનવવસ્તી શહેરોમાં વસે છે. એક અંદાજ પ્રમાણે 2050 સુધીમાં વિશ્વની બે તૃતિયાંશ વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. જ્યારે કુલ ઊર્જાનો 75 ટકા હિસ્સો વિશ્વના શહેરોમાં વપરાય છે અને આટલા જ પ્રમાણમાં ઉત્સર્જન પણ થાય છે. તેથી ક્લાઇમેટ ચેન્જની સૌથી પહેલી અસર પણ શહેરો જ અનુભવે છે.
*દેશમાં પહેલીવાર અમદાવાદમાં અર્બન-20 બેઠક*
ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે એ G-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે G-20 લીડરશીપ સમિટના ભાગરૂપ U-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. U-20 શેરપાની આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે. U-20 સાઇકલની પાંચ બેઠક અત્યાર સુધી વિવિધ દેશોમાં યોજાઈ ચૂકી છે. અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે. ખાસ વાત એ છે અમદાવાદમાં યોજાનાર સમિટમાં ચર્ચાથી આગળ વધીને નક્કર પગલાં ભરવા માટેનો રોડમેપ નિર્ધારીત થશે. U-20 સમિટ છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાઈ હતી. જ્યારે 2021માં ઇટલીના રોમમાં, 2020માં રિયાધમાં તથા 2019ની U-20 સમિટ ટોકિયોમાં યોજાઈ હતી.