જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને મેલેરિયા નિયંત્રણ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં ફોગીંગ કામગીરી, વિવિધ પ્રકારના ટેસ્ટિંગ, વિવિધ રોગચાળાની તાજેતરની પરિસ્થિતિ સહિતની ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરએ બેઠકમાં જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાના આરોગ્ય કર્મચારીઓ માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવે જેથી કામગીરી વધુ સુચારુ રીતે થઈ શકે. ફોગીંગની કામગીરી વધારવા માટે જરૂર પડે નવા મશીનની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત, મેલેરિયા, ચીકનગુનીયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવા નિયમિત અને સચોટ ટેસ્ટિંગ કરવામાં આવે અને પી.એચ.સી. વાઇઝ છેલ્લા ૩ વર્ષનો ડેટા તૈયાર કરવા ખાસ સૂચના આપી હતી.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, સી.ડી.એચ.ઓ. ડો.પી.કે.શ્રીવાસ્તવ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ, પાણી પુરવઠા, આરોગ્ય શાખાના કર્મચારીગણ અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.