“સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” થીમ અન્વયે અનોખી પહેલ સાથે મોરબી સહિતના સ્થળોએથી સાયકલ રેલી યોજી સી.આઈ.એસ.એફ. દિવસની ઉજવણી કરાશે”
-એડિશનલ ડાયરેક્ટર જનરલ
ગુજરાત અને પશ્ચિમ બંગાળથી ૧૪ મહિલા સહિત ૧૨૫ જવાનો દરિયાઈ તટ વિસ્તારમાં સાયકલ રેલી દ્વારા અંદાજે ૬૦૦૦ કિ.મી.નું અંતર કાપશે; સાયકલ રેલીને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ભારતના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સને ૧૦ માર્ચના રોજ ૫૬ વર્ષ પૂર્ણ થતાં એક નવી પહેલ સાથે સી.આઈ.એસ.એફ. દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” થીમ અન્વયે મોરબી જિલ્લા સહિતના સ્થળોએથી સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સાયકલ રેલીના બે પ્રારંભિક બિંદુઓ ગુજરાતના લખપત અને પશ્ચિમ બંગાળના બક્કાલીથી શરૂ કરીને કન્યાકુમારી સુધી અંદાજે તટીય વિસ્તારનું આશરે ૬૦૦૦ કિ.મી.નું અંતર કાપવામાં આવશે. જેમાં અનેક પડકારોનો સામના સાથે ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સી.આઈ.એસ.એફ.ના જવાનો ૨૫ દિવસની યાત્રા કરશે. આ સાયકલ રેલી ભારતના મુંબઈ, ગોવા, મેંગ્લોર, કોચી, હલ્દિયા, કોણાર્ક, વિઝાગ, ચેન્નાઈ, પોંડિચેરી સહિતના મુખ્ય દરિયાકાંઠાના શહેરોમાંથી પસાર થશે. ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ સ્મારક ખાતે રેલીનું સમાપન થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમિલનાડુના રાનીપેટ જિલ્લાના ઠક્કોલમ સ્થિત CISF પ્રાદેશિક તાલીમ કેન્દ્રથી વર્ચ્યુઅલી સાયક્લોથોનને લીલી ઝંડી આપી હતી. લાંબા અંતરના સાયકલિંગના કૌશલ્યોને વિકસાવી શકે તે માટે સાયકલ સવારોએ વ્યાવસાયિક સાયકલિસ્ટો સાથે વિશેષ તાલીમ સત્રમાં ભાગ લીધો છે. જેમાં સાયકલની જાળવણી, યોગ્ય મુદ્રા અને અસરકારક પેડલિંગ ટેકનિક જેવી મહત્વની બાબતો શીખવવામાં આવી હતી.
આ સાયકલ રેલી ગુજરાતના લખપતથી શરુ થઇ મોરબીના માળિયા થઇ જામનગરના જોડિયાથી દ્વારકાના વાડીનાર એમ તટીય વિસ્તારથી નીકળશે. સી.આઈ.એસ.એફ. રાજકોટના ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સીરસવાના માર્ગદર્શન મુજબ અને સી.આઈ.એસ.એફ. વિજીલન્સ અશોક વાળાના સહયોગથી સાયકલ રેલીનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જમવાની અને અન્ય વ્યવસ્થાઓ, પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત અને આરોગ્ય વિભાગ દ્વારા એમ્યુલન્સ અને અન્ય આરોગ્યલક્ષી પાયાની સુવિધા આપવામાં આવશે. ઉપરાંત, સ્થાનિક લોકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને પદાધિકારીઓ તેઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેશે.
આ અદ્ભુત યાત્રા સી.આઈ.એસ.એફ.ની સમુદ્ર કાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે તેઓની મહત્વની ભૂમિકાનો પ્રબળ સંદેશ પૂરો પાડશે. ભારતની વિસ્તૃત તટલાઈન ૨૫૦થી વધુ બંદરગાહોનું ઘર છે. જેમાં ૭૨ મોટા બંદરો છે, જે દેશના ૯૫% વેપાર અને મોટાભાગના તેલ આયાતને સંભાળે છે. આ બંદરગાહો વેપાર માટે મહત્વના પ્રવેશદ્વાર છે અને રિફાઇનરી, શિપયાર્ડ અને ન્યુક્લિયર પાવર પ્લાંટસ જેવા મહત્ત્વપૂર્ણ બાંધકામો ધરાવે છે, જેના કારણે તેમની સુરક્ષા ખૂબ જ આવશ્યક બની જાય છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર હેઠળના ઔદ્યોગિક એકમોની સલામતી માટે રચવામાં આવેલું ખાસ દળ એટલે “કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ”. તા.૧૦ માર્ચ ૧૯૬૯ના રોજ “કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ” (CISF)ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં પોલાદનાં કારખાનાં, કોલસાની ખાણો, તેલ-શુદ્ધીકરણ માટેનાં કારખાનાં, વીજળી (ઉત્પન્ન કરતાં) મથકો, બંધો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણુ અને અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા સી.આઈ.એસ.એફ. કરે છે.