મોરબી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
યોજના હેઠળ કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના હોલ ખાતે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો.
સખી મંડળોને મહિલાઓની ઉન્નતિ અને આર્થિક ઉપાર્જન માટેના અગત્યના અભિગમ ગણાવતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, મહિલાઓ સ્વાભિમાનભેર આગળ વધે અને સમાજમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરે તે માટે સરકાર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી વધુને વધુ બહેનો સખી મંડળોમાં જોડાય તો સરકારના આ ઉમદા કાર્યને વેગ મળશે. વિશેષમાં તેમણે સખી મંડળોના તમામ પ્રશ્નો અને સમસ્યાઓ નિવારવા તત્પરતા દાખવી હતી.
રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વ સહાય જૂથ હેઠળ સંગઠિત બનેલી બહેનોની આર્થિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા કેશ ક્રેડીટ આપવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૫૦ સખી મંડળોને ૬૭.૧૦ લાખની સી.સી. લોન, ૨૧ સખી મંડળોને ૬.૩૦ લાખ રૂપિયાના ચેક રિવોલ્વીંગ ફંડ તરીકે તથા ૨૨ સખી મંડળોને સી.સી.આઈ.એફ. તરીકે ૨૯.૫૦ લાખ રૂપિયાના ચેક એમ કુલ ૯૩ સખી મંડળોને કુલ ૧૦૨.૯૦ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવીએ જણાવ્યું હતુ કે, મહિલાઓની અંદરની પ્રતિભાને ખીલવવા અને તેમને સ્વનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના અમલી બનાવવામાં આવી છે. આભારવિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના રીટાબેન એ કરી હતી.
આ તકે સખી મંડળો સાથે ચર્ચા-વિચારણા કરી વિચારોની આપ-લે કરી હતી. સખી મંડળો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનોનું નિરાકરણ કરી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારેઘી, અગ્રણી સર્વશ્રી જીજ્ઞેશભાઈ કૈલા, મંજુલાબેન ચૌહાણ, લીડ બેંકના મેનેજર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.