ગત ગુરૂવારે જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેન્કર્સની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન (પીએલપી)નું અનાવરણ કર્યુ હતું.
વિવિધ પ્રાથમિકતા વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે નાબાર્ડના પીએલપીમાં રૂ. ૧૧૮૮૨.૯૯ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્યું છે. જેમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે રૂ. ૨૨૪૫.૮૪ કરોડ (૧૮.૯૦%), મધ્ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂ. ૧૨૨૬.૨૯ કરોડ (૩૫.૩૨%), એમ.એસ.એમ.ઇ. સેક્ટર માટે રૂ. ૮૦૪૮.૯૫ કરોડ (૬૭.૭૩%) અને અન્ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે એક્સપોર્ટ, શિક્ષા, હાઉસિંગ, રિન્યુએબલ એનર્જી, અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂ. ૩૬૧.૯૧ કરોડ (૩.૦૪૪%)નું આકલન કરેલ છે.
પી.એલ.પી.ના આકલન પ્રમાણે જિલ્લાની બેન્કોની વાર્ષિક ઋણ યોજના લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને જિલ્લાની બેન્કો ધિરાણોના ટાર્ગેટ પૂરા પાડવા પ્રયાસો કરે છે તેવું નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધકશ્રી અરસુ બર્નબાસએ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા સાથે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ પ્રબંધકશ્રી અરસુ બર્નબાસ, મોરબી જિલ્લા રજિસ્ટ્રારશ્રી ધર્મેશ ગઢવી, એલ.ડી.એમ. મોરબીશ્રી સુરેન્દ્ર ચૌધરી, રાજકોટ ડી.સી.એમના સીઈઓશ્રી વી.એમ.સખીયા, સુરેન્દ્રનગર ડી.સી.એમના સીઈઓશ્રી રઘુવીરસિંહ પરમાર, જામનગર ડી.સી.એમના સીઈઓશ્રી અલ્પેશ મોલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા