મોરબી: આગામી તા.૧૪/૦૧/ ૨૦૨૩ ના રોજ મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોય, આ તહેવારની સમગ્ર મોરબી જિલ્લામાં ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારમાં કેટલાક લોકો જાહેર માર્ગો તથા રસ્તાઓ ઉપર પતંગ ઉડાવે છે. તેમજ કપાયેલી પતંગો અને દોરાઓ વગેરે મેળવવા હાથમાં લાંબા ઝંડા, વાંસ વિગેરે લઈ રસ્તાઓ, ગલીઓ, શેરીઓમાં દોડા દોડી કરતાં હોય છે. જેના કારણે ટ્રાફિકમાં અડચણ થાય છે તેમજ વાહન અકસ્માત થવાનો ભય રહે છે. તેમજ રસ્તાઓ ઉપર ગલીઓ/શેરીઓમાં ટેલીફોન તથા ઇલેક્ટ્રિકના તાર ઉપર લંગર નાખી તારમાં ભરાયેલા પતંગો કાઢવાનો પ્રયત્ન કરે છે. તેથી તાર તૂટી જવાની તથા બે ઇલેક્ટ્રીક વાયરો ભેગા થવાથી શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. તેમજ ઘણા લોકો પતંગ ઉડાવવા માટે ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે. આ ચાઈનીઝ દોરા કોઈ વ્યક્તિના શરીર પર પડે ત્યારે તે વ્યક્તિના શરીરના અંગો કપાઈ જવાનો ભય રહે છે. તેમજ આવા દોરાના કારણે પક્ષીઓને ઈજા થાય છે અને તેનું મૃત્યુ પામવાનો પણ ભય રહે છે. જેથી સાવચેતીના ભાગ રૂપે આવી નુકશાન કારક પ્રવૃત્તિઓ ન કરવી જોઇએ.
છેલ્લા કેટલાક સમયથી જણાય આવેલ છે કે, આ તહેવાર વખતે ચાઈનીઝ લોન્ચરો, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન લોકો દ્વારા ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઈનીઝ તુકકુલ હલકી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. આ ઉપરાંત સળગતું તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને નુકસાન થાય છે. જેથી આ પ્રકારના પ્રસંગો બનતા અટકાવવા તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના તા.૨૨/૧૨/૨૦૧૫ના આદેશ મુજબ મોરબી જિલ્લાના સમગ્ર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તા.૦૪/૦૧/૨૦૨૩ થી તા.૨૫/૦૧/૨૦૨૩ સુધી ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્લ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા ઉપર પ્રતિબંધ મુકતુ જિલ્લા મેજીસ્ટર મોરબી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે.
જેથી લોકો અને પશુ-પક્ષીઓની સલામતી તેમજ સંપત્તિ અને પર્યાવરણના રક્ષણને ધ્યાને લઇ સમગ્ર પ્રજાજનોને મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઉપર જણાવ્યા મુજબ નુકશાન થાય તેવી પ્રવૃત્તિ નહિ કરવા નંમ્ર અપિલ કરવામાં આવે છે અને જો કોઇ વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરી જાહેર નામાનો ભંગ કરશે તો તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે