આવતા મહિને યોજાનાર U-20 સમિટના મહેમાનોને દેશી ધાન પીરસાશે
– ગુજરાતની પરંપરાગત વાનગીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે
અમદાવાદ
અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U-20 (અર્બન-20) સમિટ યોજાશે. આ સમિટમાં ભાગ લેવા માટે અમદાવાદ આવનાર દેશ-વિદેશના મહેમાનોને જુવાર, બાજરી, કોદરી જેવા રાજ્યના પરંપરાગત દેશી ધાનમાંથી બનેલી વાનગીઓ પીરસવામાં આવશે. ગુજરાતના દેશી ધાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે એ માટે U-20ના મહેમાનોને દેશી ધાનની વાનગીઓ પીરસવાનો નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ પરંપરાગત દેશી ધાનને પ્રોત્સાહન આપી ચૂક્યાં છે. 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાનાર સમિટની ઓપનિંગ સેરેમનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ સંબોધન કરશે.
ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે G-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે G-20 લીડરશીપ સમિટના ભાગરૂપ U-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. U-20 શેરપાની આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે. આ બેઠકમાં પર્યાવરણની જાળવણી પ્રત્યેની જવાબદારી, પાણીનું સુરક્ષા કવચ, ક્લાઇમેટ ફાયનાન્સ, સ્થાનિક ઓળખને અગ્રતા સહિતના મુદ્દે નક્કર નિર્ણયો લેવાશે. U-20 સાઇકલની પાંચ બેઠક અત્યાર સુધી વિવિધ દેશોમાં યોજાઈ ચૂકી છે. અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે. ખાસ વાત એ છે અમદાવાદમાં યોજાનાર સમિટમાં ચર્ચાથી આગળ વધીને નક્કર પગલાં ભરવા માટેનો રોડમેપ નિર્ધારીત થશે.