શ્રી વાઘગઢ પ્રાથમિક શાળામાં એક નવતર પ્રયોગ કરવામાં આવેલ.
ગામના સ્નેહ અને સહકાર સાથે શાળા દ્રારા આ નવતર પ્રયોગ શ્રમયોગી પરિવાર માટે ( વાઘગઢ ગામના સીમતળ માં રહીને કામ કરતા લોકો ) પરિવાર નું સ્નેહમિલન રાખવામાં આવેલ હતું. આ સ્નેહમિલનમાં શ્રમયોગી પરિવાર ના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને નિરક્ષરતા દૂર કરી સાક્ષર સમાજ બને એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. બાળકોમાં રહેલ ક્ષમતાઓ તેના માતા પિતા રૂબરૂ જુએ એ હેતુથી શાળામાં બાળકોને તેમની સમક્ષ પોતપોતાની ક્ષમતાઓ અને આવડતનું પ્રદર્શન કરેલ. પોતાના બાળકોમાં રહેલા કૌશલ્યો જોઈને તેમના માતાપિતા પણ દંગ રહી ગયા હતાં.
દરેક બાળકો માં સંસ્કાર વિકસે એ પાવન હેતુથી શાળામાં બાળકો ભોજન મંત્ર કરીને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરે છે. બાળકોની આ સુટેવ માત્ર શાળા પૂરતી મર્યાદિત ન રહેતા સીમમાં પોતાના ઘરે જાય ત્યારે પણ તેઓ મંત્ર બોલ્યા બાદ જ ભોજન ગ્રહણ કરે છે. સીમમાંથી આવેલા શ્રમયોગી માતાપિતા ને શાળામાં વિવિધ કાર્યક્રમોમાં દર્શન કર્યા બાદ પોતાના બાળકો પૂર્ણ શિક્ષણ મેળવે અને શિક્ષણ બાબતે જાગૃતતા આવે તે માટે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત પોતાના ધર્મમાં સાચી શ્રદ્ધા ટકે અને કોઈ અંધશ્રદ્ધા નો વ્યાપ પરિવારમાં ના થાય તે બાબતે પણ વિસ્તૃત આધ્યાત્મિક ચર્ચાઓ કરવામાં આવી હતી. શ્રમયોગી પરિવારના લોકો વ્યસનમુક્ત બને અને વ્યસન થી આર્થિક , શારીરિક અને સામાજિક નુકશાન થાય છે ,તેમજ તેની વિપરીત અસર પોતાના અને પરિવારના લોકો પર પણ પડતી હોય વ્યસનથી દૂર રહેવા માટે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ. ધર્મમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે, એટલે બાળકો પણ જાગૃત થઇને રહે એ મહત્વનું છે તેની જાણકારી આપીને દોરાધાગા વગેરે માંથી મુક્ત રહેવા જણાવવામાં આવેલ. આ ઉપરાંત રાષ્ટ્ર ધર્મ પ્રત્યે દરેક લોકો જાગૃત બને અને પોતાના વતનમાં જાય ત્યાં પણ વિસ્તૃત જાગૃતિ લાવવા માટે આહવાન કરવામાં આવેલ.
શાળાના શિક્ષક શ્રી દેવેન્દ્રભાઈ દ્વારા પણ રહેણીકરણી , ખોરાકમાં સાત્વિકતા અને વાણીમાં પવિત્રતા વગેરે આવે તે અંગે વાલીઓ સાથે વિચાર વિમર્શ કરેલ. ત્યારબાદ શ્રમયોગી પરિવાર ના તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી. દરેક લોકો આનંદ સાથે ભરપેટ ભોજન કરીને પરિવાર જેવો આનંદ દરેક ના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.
ભોજન બાદ ટંકારાના દયાલમુની દ્વારા દરેક પરિવાર માટે એક ગરમ બ્લેન્કેટ ભેટ સ્વરૂપે મોકલવામાં આવેલ હતા આવા 70 પરિવારને બ્લેન્કેટ આપવામાં આવેલ. આ કાર્યક્રમ એ વાસ્તવિક રીતે સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું
આ કાર્યક્રમને સફળ કરવામાટે દેવેન્દ્રભાઈ,નવનીતભાઈ ,ચાંદનીબેન તથા સરપંચ વલ્લભભાઈ,રામજીભાઈ ,નિલેશભાઈ,મનસુખભાઇ મહેનત ઉઠાવેલ. ખૂબ જ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયેલ.