મોરબી ખાતે કલેક્ટરશ્રીના વરદ્ હસ્તે વૃદ્ધાશ્રમના વડીલોને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વસ્ત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદીરે ચાડાવવામાં આવતા વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરવાનો હાલ એક નવો અભિગમ કેળવવામાં આવ્યો છે. ત્યારે માસિક શિવરાત્રિ નિમિતે મોરબીના વૃદ્ધાશ્રમ ખાતે આ વસ્ત્ર પ્રસાદના વિતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા સહિતના મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદ એવા વડીલોને ધોતી અને સાડી સહિત પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વૃદ્ધાશ્રમના વડીલોએ કલેક્ટરશ્રી તથા અન્ય મહાનુભાવોને સંસ્થામાં પ્રેમથી આવકાર્યા હતા. કલેક્ટરશ્રી વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થાઓ જોઈ પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સહિત નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વૈશાલીબેન જોશી, સંસ્થાના સુપ્રિટેન્ડેન્ટશ્રી સુષ્માબેન પટ્ટણી તથા વૃદ્ધાશ્રમના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.