મોરબી તાલુકાના ઘુંટુ ગામની હદમાં ગેરકાયદે ધમધમતી નોનવેજની લારી-દુકાનો બંધ કરાવવા વિવેકાનંદ યુવા સમિતિ – ઘુંટુ દ્વારા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને જીલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને ગ્રામજનોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી તાલુકાના ઘુંટુ ગામની હદમાં સરકારી જમીનો પર કોઈપણ જાતની પાસ પરમીટ કે પૂર્વ મંજુરી વગર અનેક સ્થળોએ ગેરકાયદેસર રીતે નોનવેજની લારી-દુકાનો બેરોકટોકપણે ચાલી રહી છે. આ બાબતે ગત તા. ૦૯/૦૧/૨૦૨૩ ના રોજ નોનવેજની લારીવાળા અને દુકાનધારકોને ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપીને લારી-કેબિનો હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી કોઈએ લારી-કેબિનો હટાવી નથી.
આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે ગામના જાગૃત નાગરીકો દ્વારા સ્થાનિક તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા પણ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ મામલતદાર દ્વારા કોઈ જ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા હાઈકોર્ટના આદેશની અમલવારી કરવામાં આવતી નથી અને ગ્રામજનો તથા જીવદયાપ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.