ખાનગી શાળાઓના શિક્ષણ અને સુવિધાઓને ટક્કર આપતી આધુનિક સમયની આધુનિક સરકારી શાળા એટેલે મેરૂપર પે સેન્ટર શાળા
૦૦૦૦૦૦૦૦૦૦
‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’માં પસંદગી પામેલી મેરૂપર શાળા ગાર્ડનિંગ, શિક્ષણ,
સ્વચ્છતા, ગુણોત્સવ, રમત-ગમત એમ અનેક ક્ષેત્રે નામના પામી
મોરબી જિલ્લાની એક શાળા નામી, રાજ્ય સ્તરે નામના પામી
મેરૂપર પે સેન્ટર શાળા ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’માં હળવદ તાલુકાની સૌપ્રથમ પસંદ થયેલી શાળા છે. મોરબી જિલ્લાની મેરૂપર શાળાએ અનેક એવોર્ડ અને સિદ્ધિઓ મેળવી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ૨૦૧૭ નો શાળા સ્વચ્છતા એવોર્ડ આ શાળાને અર્પણ થયો હતો. ૨૦૧૯ માં શાળાના આચાર્યશ્રી ધનજીભાઈ એસ. ચાવડાને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તથા ૨૦૧૮ માં તેમને જ ચિત્રકૂટ એવોર્ડ અને ૨૦૧૫ માં સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ પણ અર્પણ કરાયો હતો. શિક્ષક ધર્મેન્દ્રભાઈ બુંભરીયાને પણ વર્ષ ૨૦૨૩માં સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તેમજ વર્ષ ૨૦૨૧ માં તેઓ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ સન્માનિત થયેલા છે. શાળાની સ્વચ્છતા અને ગાર્ડનિંગને ધ્યાનમાં રાખી વર્ષ ૨૦૨૧માં આઈ.આઈ.ટી.ઈ.-ગાંધીનગર દ્વારા રાજ્યની ટોપ ફાઈવ ગાર્ડન ધરાવતી શાળામાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં ગુણોત્સવમાં એ ગ્રેડ મેળવેલો છે તથા વર્ષ ૨૦૨૨-૨૩ માં એ પ્લસ ગ્રેડ સાથે જિલ્લાની પ્રથમ ક્રમની શાળા તેમજ રાજ્યની ૨૬ માં ક્રમની શાળા બની છે. દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં મેરીટમાં મોરબી જિલ્લામાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ આ શાળાના જ પસંદગી પામે છે. જિલ્લામાંથી લેવાના થતા ૮૮ વિદ્યાર્થીઓમાંથી ૬ વિદ્યાર્થીઓ તો ફક્ત મેરૂપર શાળામાંથી જ પસંદ થયેલા છે. તે જ પરીક્ષામાં જિલ્લા કક્ષાએ ટોપ ૧૦ માં ૨ વિદ્યાર્થીઓ તથા તાલુકા કક્ષાએ ૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. ૨૦૨૧-૨૨ માં ખેલ મહાકુંભમાં મેરૂપર પે સેન્ટર શાળાના ૨૧ વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ચિલ્ડ્રન યુનિવર્સિટી એથ્લેટિક્સ મીટ ૨૦૨૧-૨૨ સીઝન-૧ માં શાળાના વિદ્યાર્થીએ તૃતીય ક્રમ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો તથા વર્ષ ૨૦૨૨-૨૩ સીઝન-૨ માં દ્વિતીય ક્રમે રહી સિલ્વર મેડલ મેળવ્યો છે.