મોરબી સુપર માર્કેટ અભ્યાસ અર્થે અવર જવર કરતી વિદ્યાર્થીનીઓ ની પજવણી કરતા હોવાનો વિડિઓ વાયરલ થયા બાદ ધારાસભ્ય કાંતિલાલ દ્વારા અંગત રસ દાખવી પોલીસને કામે લગાડી હતી ત્યારે પાંચ ટપોરીની પોલીસે અટકાયત કરી છે 2 સગીર ને પણ નજરકેદ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ પી આર સોનારાએ ફરિયાદી બની આરોપી રાહુલ મહેશભાઈ પટેલ, નયન નાગજીભાઈ પાટડીયા, અક્ષયરાજસિંહ લાલુભા ઝાલા, દર્શન લક્ષ્મણભાઈ કેશુર અને અરુણ દોલતભાઈ જાદવ તેમજ બે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સહિતના સાત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૦ એપ્રિલના રોજ મોરબી સુપર માર્કેટ ખાતે કેટલાક ઈસમો સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરી જાહેરમાં રસ્તો રોકી અડચણરૂપ અને ચાળા કરતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જે કુલ ૨ વિડીયો પૈકી તા. ૧૮ એપ્રિલના વિડીયોમાં અમુક સ્કૂલ ડ્રેસ પહેરેલ છોકરીઓ સુપર માર્કેટમાંથી જતી હોય ત્યારે ચાર છોકરા પૈકી એક છોકરો રસ્તામાં આડો પગ રાખી રસ્તો રોકવા પ્રયત્ન કરે છે અને અન્ય એક છોકરો જાહેરમાં ચાળા કરતો હોય અને અન્ય બે ઈસમો મદદ કરતા હોવાનું જણાય આવે છે તેમજ તા. ૧૭ એપ્રિલના વિડીયોમાં બે છોકરીઓ સાથે વાતચીત કરતા ચાર છોકરાઓ રસ્તો રોકી ઉભા હોય તેમ જણાઈ આવ્યું હતું.
જે બનાવ મામલે સી ટીમના સભ્યો વિડીયોમાં દેખાતા ઇસમોને ઓળખી કાઢવા કાર્યરત હોય દરમિયાન આજે મોરબી એલસીબી સ્ટાફે વાયરલ વિડીયો અંગે પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા રોડ પર સુપર માર્કેટમાં રસ્તો રોકી ચાળા કરતા ઇસમોને પોલીસ સ્ટેશન લાવી રજુ કરતા ઇસમોના નામ પૂછતાં આરોપી રાહુલ મહેશ વિરમગામ રહે ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી, નયન નાગજીભાઈ પાટડીયા રહે ઘુનડા (સ) તા. ટંકારા, અક્ષયરાજસિંહ લાલુભા ઝાલા રહે નાના રામપર તા. ટંકારા, દર્શન લક્ષ્મણભાઈ કેસુર રહે નાના રામપર તા. ટંકારા અને અરૂણ દોલતભાઈ જાદવ રહે ઘુનડા (સ) તા. ટંકારા એમ પાંચ આરોપી તેમજ બે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સહિતના સાત ઇસમો હોવાનું જણાવ્યું હતું.
જેથી એ ડીવીઝન પોલીસે તમામ વિરુદ્ધ વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરી રસ્તો રોકી ભય ઉપજાવેલ હોય જેથી ગુનો નોંધી પાંચ આરોપીને ઝડપી લીધા છે તો કાયદાના સંઘર્ષમાં આવેલ બે સગીર વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે.