૨૦૧૬માં નિવૃત થયા બાદ સંપૂર્ણ સમય અને શક્તિ પર્યાવરણ માટે વાપરું છુ – મોરબીના વતની વી. ડી. બાલા
ચકલી બચાવવા ‘રામ કી ચિડિયા’, ‘રામ કા ખેત’ અભિયાન ચલાવ્યું, માળાની ડિઝાઇન તૈયાર કરી
પર્યાવરણનું રક્ષણ અને જતન દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. આજે ભારત સહિત ગુજરાતમાં અનેક લોકો પર્યાવરણનું રક્ષણ અને જતન કરી રહ્યા છે. નિવૃતી બાદ જેને સંપૂર્ણ સમય અને શક્તિ પર્યાવરણ માટે ખર્ચી દેનાર વ્યક્તી એટલે નિવૃત રેન્જ ફોરેસ્ટ અધિકારીશ્રી વી.ડી.બાલા.
વી.ડી.બાલા મોરબીનાં ફડસરના વતની છે, તેઓ નિવૃત રેન્જ ફોરેસ્ટર અધિકારી તેમજ નવરંગ નેચર ક્લબનાં પ્રમુખ છે. વી.ડી. બાલા વર્ષ ૨૦૧૬માં નિવૃત થયાહતા.. નિવૃતી બાદ સંપૂર્ણ સમય અને શક્તિ પર્યાવરણ માટે વાપરી રહ્યા છે. ગામડાઓને હરિયાળા બનાવવા ગામડાઓમાં વિવિધ વૃક્ષોનાં રોપાનુ વિતરણ કરે છે. વી.ડી. બાલાએ વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૩ સુધીમાં દર વર્ષે અલગ અલગ ૫૦ ગામમાં ગામ દીઠ ૫૦૦ રોપાનું વિનામુલ્યે વિતરણ કર્યુ છે. આ ઉપરાંત વિવિધ કલમોનું પડતર કિંમતે વિતરણ કરે છે. તેમજ વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે જાગૃત કરી રહ્યા છે. તેમજ વન્યજીવ પ્રશ્નોતરી પરીક્ષાનું આયોજન કરે છે. આજ સુધીમાં ૩૮૧૦૦ વિદ્યાર્થીઓ જોડાયા છે. મોરબી જિલ્લામાં પર્યાવરણને લગતી કામગીરી ૨૦૧૪ થી ૨૦૨૩ સુધી પોતાનાં ખર્ચે તેમજ લોકભાગીદારીથી કરી રહ્યા છે.
નિવૃત રેન્જ ફોરેસ્ટર અધિકારી વી.ડી.બાલાની પર્યાવરણને લગતી વિવિધ પ્રવૃતિઓ
-વન્યજીવ પ્રશ્નોતરી પરીક્ષા (વિનામુલ્યે) (કુલ ૩૮૧૦૦ વિધ્યાર્થીઓ)
– પ્રકૃતિ અનુભૂતિ શિબિરો (પ્રતિ ૨૦ રૂ) (કુલ ૫૭૯૦ વિધ્યાર્થીઓ)
– ફળિયા માં લીંબુડી (૫૦૦૦ રોપાઓ નું પડતર કિંમતે વિતરણ)
– કલમી ફળાઉ રોપા જેવા કે કેસર કલમી આંબા, કાલીપતિ ચીકુ, કલમી જામફળ, લોટણ નાળિયેરી નું ૩૦% કિંમત માં વિતરણ (૨૦૧૪ થી ૨૦૨૨ દરમિયાન કુલ ૨૪૦૦૦ રોપાઓ)
– દેશી ફળ ના રોપા જેવા કે જામફળ, સીતાફળ, લીંબુ, દાડમ, બોરસલી, સરગવો, રાવણા, રાયણ,વડ, પીપળ, ઉમરા, આસોપાલવ, કરંજ, ખાટી આંબલી, મીઠી આંબલી વગેરે નું પડતર કિંમતે વિતરણ (૨૭૫૦૦ રોપાઓનું પડતર કિંમતે વિતરણ)
– આયુર્વેદિક છોડ જેવા કે અરડૂસી, નગોળ, પનફૂટી, પારિજાત, તુલસી, વિક્સ તુલસી, બ્રાહ્મી, વિકળો, ગૂગળ વગેરે રોપાનું વિતરણ. (૧૨૦૦ રોપાઓનું પડતર કિંમતે વિતરણ)
– આંગણે વાવો શાકભાજી (૨૦ જાત ના બિયારના નાના પેકેટ ૫ રૂ લેખે, ૨૨૫૦૦ પેકેટ નું વિતરણ)
– રામ કી ચિડિયા રામ કા ખેત, ખેડૂતો પોતાના ખેતર ના શેઢે જુવાર અથવા બજારની એક લાઇન વાવે છે, નવરંગ નેચર કલબના પ્રયત્નોથી ૩૦૦૦૦ ખેડૂતોએ આવું વાવેતર કરેલ છે.
– ચકલીઘર, વિચાર અને માળાની ડિઝાઇન ભારતમાં સૌપ્રથમ બાલાએ બનાવી હતી. (૨૦૧૪ થી ૨૦૨૨ સુધી માં ૬૦ હજાર માળા ટોકન દરે વિતરણ)
– વરસાદી પાણી ધરતીમાં ઊતારવું અને તેનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે લોકોમાં જાગૃતી અભિયાન ચલાવી રહ્યા છે.
– પૉર્ટેબલ પ્લાસ્ટિકના ચબૂતરા (વર્ષ ૨૦૧૪ થી દર વર્ષે દસ હજાર ચબૂતરાનું વિતરણ, ૧૦ રૂ.લેખે)
– ખરખોડીના રોપા નું રાહત દરે વિતરણ.
– ૨૦૧૬ થી ૨૦૨૩ સુધીમાં દર વર્ષે અલગ અલગ ૫૦ ગામમાં ગામ દીઠ ૫૦૦ રોપાનું વિનામુલ્યે વિતરણ.
– મધ માખી ઉછેર માટે વિવિધ સેમિનારો યોજી લોકોને માર્ગદર્શિત કરી રહ્યા છે.
– બાળકો મજબૂત અને ખડતલ થાય તેવા હેતુ થી શેરી રમતો, ૨૦૧૬ થી દર વર્ષે કુલ ૨૦ ગામો ની સ્કૂલો માં જઇ વિનામુલ્યે છાત્રોને શેરી રમતો રમાડે છે.