રાત દિવસ, પવન વરસાદ જોયા વિના તમામે લોકોના સ્થળાંતર, વ્યવસ્થાઓ, બચાવ કામગીરીના સાધનો પૂરી પાડવા વગેરે કામગીરી કરી
વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહી સામાજિક સંસ્થાઓ, મંદિર, ટ્રસ્ટ, એસોસિએશન અને સેવાભાવી લોકોએ સ્થળાંતરિતોને કોઈ અગવડ ન પડવા દીધી
બિપરજોય વાવાઝોડાના પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી મોરબી જિલ્લા વહીવટી તંત્રની સાથે જિલ્લાના તમામ એસોસિએશન્સ, સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો તમામે સંયુક્ત રીતે લોકોના બચાવ અને રાહત માટે અદભુત કામગીરી કરી માનવતાનું એક અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની સાથે મોરબી જિલ્લા ઉપર પણ બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હતું. આ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સ્થળાંતરમાં વહીવટી તંત્રને જિલ્લાની સામાજિક સંસ્થાઓ, મંદિર, ટ્રસ્ટ, વિવિધ એસોસિએશન્સ, રાજકીય આગેવાનો તેમજ સેવાભાવી લોકોનો પૂરતો સહયોગ મળી રહ્યો હતો. વિવિધ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત થયેલા લોકોને કોઈ અગવડતા ન પડે, રહેવા જમવાની પૂરતી સુવિધા મળી રહે તે માટે પણ તમામે સંયુક્ત રીતે કમર કસી આદર્શ કામગીરી કરી છે.
વાવાઝોડાના પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી લોકોની સલામતી, સુરક્ષા અને વ્યવસ્થાઓ માટે તમામ ધારાસભ્યઓ, સાંસદસભ્યઓ, જિલ્લામાં આવેલા વિવિધ ટ્રસ્ટ, સામાજિક સંસ્થાઓ, એનજીઓ, સિરામીક, એસોસિએશન અને પેપરમીલ એસોસિએશન જેવા જિલ્લાના તમામ એસોસિએશન્સ અને સેવાભાવી લોકો સેવા યજ્ઞમાં જોડાઈ ગયા હતા. રાત-દિવસ, પવન, વરસાદ કંઈ પણ જોયા વિના આ તમામે લોકોના સ્થળાંતર, તેમના રહેવાની, જમવાની વ્યવસ્થા, આરોગ્ય સેવા અને ટ્રેકટર, ડમ્પર્સ, જેસીબી વગેરે જેવા બચાવ કામગીરી માટેના સાધનો પૂરી પાડવા વગેરે જેવી કામગીરી કરી માનવતા મહેકાવી છે.
મંત્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ આભારની લાગણી વ્યકત કરી સૌને વિકટ પરિસ્થિતિમાં વહિવટી તંત્રના સંકલનમાં રહી સેવા કરવા આભિનંદન પાઠવ્યા હતા.