મિલેટ્સ સ્પર્ધા અંતર્ગત આંગણવાડીની બહેનોએ બનાવી પૌષ્ટીક અવનવી વાનગી
સરકારે આ વર્ષને મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કર્યું છે ત્યારે આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે જ્યારે દેશ-દુનિયામાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી રહ્યું છે અને પોષણયુક્ત ભોજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે લોકોમાં અને એમાં પણ ખાસ કરીને બાળકોમાં વિટામીન, આયર્ન, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વની ઉણપ જોવા મળે છે. જેના કારણે તેઓ વારંવાર બિમાર પડે છે અને સાથોસાથ શારીરિક અને માનસિક નબળાઈ પણ આવે છે.
ભારત સરકાર લોકોના આ નબળા પડી રહેલા સ્વાસ્થ્યથી ખુબ જ ચિંતિત છે ત્યારે ભારતીય પોષ્ટીક ખોરાકથી લોકોને અવગત કરવા અને એ તરફ લોકોને વાળવા માટે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષની શરૂઆત કરી છે. જેમાં હાલ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં મિલેટસ સ્પર્ધાઓ ચાલી રહી છે. આ આંતરરાષ્ટ્રીય મિલેટસ સ્પર્ધા અંતર્ગત આજે મોરબી જિલ્લા પંચાયત ખાતે મોરબી જિલ્લાના 5 તાલુકાના 7 ઘટકની આંગણવાડીની બહેનો દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી.
આ પ્રસંગે ચંદુભાઈ શિહોરાએ વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તે લોકોના સ્વાસ્થ્ય માટે સતત ચિંતા કરે છે. દવાથી પકવેલા અનાજનો ખોરાક લેતા આજના વ્યક્તીઓ ૫૦ વર્ષની ઉંમરે જ માંદગીથી ઘેરાય જાય છે. ભારતદેશમાં એક કરતા વધુ અનાજ પાકે છે, આ કુદરતી રીતે પાકેલા અનાજ પોષક તત્વથી ભરપૂર અને સ્વાસ્થ્યવર્ધક છે. જેના થકી બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે છે. ઉપરાંત તમે જ્યારે કોઈ હોટલમાં જમવામાટે જાઓ ત્યારે તમારે પણ તે હોટલના મેન્યુમાં મિલેટ્સથી બનેલી વાનગીઓની માંગ કરવી જોઈએ.”
જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજાના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ૧ જુલાઈથી રાજ્યનાં અલગ અલગ જિલ્લામાં મિલેટ્સ સ્પર્ધા ચાલી રહી છે. આજે આપણા મોરબી જિલ્લામાં પણ શ્રી અન્ન એટલે કે મિલેટ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં બનાવેલ વાનગીઓની રેસીપી અને વાનગી બનાવનાર બહેનોના ફોટા સાથેની એક બુકલેટ બનાવવામાં આવશે. જેથી લોકો સરળતાથી મિલેટ્સમાંથી વાનગી બનાવી શકશે. આપણે બધાએ મળીને મિલેટ્સમાંથી બનેલ વાનગીને વેગ આપવો જોઈએ. તેમજ આંગણવાડીના બાળકો આ વાનગી વધુમાં વધુ ખોરાકમાં લે તે માટેની પ્રવૃતિ હાથ ધરવી જોઇએ ”
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોએ મિલેટ્સમાંથી પોષક યુક્ત વાનગી બનાવી હતી અને તમામ બહેનોને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૧ થી ૩ નંબર પણ આપવામાં આવ્યા હતા. મિલેટ્સમાંથી આંગણવાડીની બહેનોએ કેક, મંચુરીયમ, પિઝા, ભેળ વગેરે જેવી વાનગીઓ બનાવી હતી. જે દર્શાવે છે કે, ચટપટું બોજન પણ પોષ્ટીક મિલેટ્સમાંથી બનાવી શકાય છે. તો ચાલો આપણે પણ લોકોને જગાડીએ અને ફાસ્ટ ફૂડના માયાજાળથી બચાવીએ.
આ શ્રી અન્ન એટલે કે મિલેટ્સ સ્પર્ધા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત બાળ અને મહિલા સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, જેઠાભાઈ પારેઘી તેમજ જિલ્લા પંચાયતના અન્ય અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.