CISS અંતર્ગત નોંધાયેલા બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવા કલેક્ટર જી. ટી.પંડ્યાનો વાલીઓને અનુરોધ
સીરામીક એસોસિએશનના સહયોગ વડે જરૂરિયાતમંદ પરિવારોને સાધનો પુરા પડાયા
મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર અને બાળ સુરક્ષા એકમ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કલેકટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને શેરીમાં રહેતા 30 બાળકોના ૧૪ પરિવારોને રોજગાર અર્થે વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટર જી. ટી. પંડયાએ જણાવ્યું હતું કે કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર કે બાળક સરકારની લોક કલ્યાણની યોજનાથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા વિવિધ ઝુંબેશો ચલાવવામાં આવે છે, વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. વંચિત અને જરૂરિયાતમંદ પરિવારોની સાથે સાથે શેરીઓમાં રહેતા બાળકો કે તેમના પરિવારો પણ સરકારની યોજનાઓનો લાભ મેળવી સામાન્ય પ્રવાહમાં આવી શકે તે માટે એક ઉમદા અભિગમ પણ સરકાર દ્વારા કેળવવામાં આવ્યો છે. મોરબીની શેરીઓમાં રહેતા બાળકોની નોંધણી અને સર્વે કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે શેરીમાં રહેતા બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેમજ ભણવા માટે જરૂરી સાધનો મળી રહે અને આવા બાળકોના પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો મળી રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખુબજ પ્રયત્નશીલ છે. ઉપરાંત CISS અંતર્ગત નોંધાયેલા બાળકોને નિયમિત રીતે શાળાએ ભણવા મોકલવા વાલી ને અનુરોધ કર્યો હતો.તેમજ CSR પ્રવૃતી અંતર્ગત અપાયેલ સીવણ મશીનની તાલીમ લેવા અપીલ કરી હતી.
મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિતરણ કરવામાં આવનાર સાધનો વિશે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ લાભાર્થી પરિવારોને તેમની આર્થિક પરિસ્થિતીમાં સમૃદ્ધ રોજગાર મળી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મોરબી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશિયાએ જણાવ્યું હતું કે શેરીમાં રહેતા પરિવારોમાં વ્યક્તિની લાયકાત પ્રમાણે સ્વરોજગાર આપવા માટે વહીવટી તંત્ર હમેશા સાથ આપી રહ્યું છે. ૧૪ વાલીઓને તેમની પસંદ મૂજબ રોજગાર લક્ષી સાધનો મોરબી સીરામીક એસોસિએશનના સહયોગથી વિતરણ કરવામાં આવ્યા છે. તમામ સાધનો સાથે ચાની લારી, સિલાઈ મશીન, કડીયાકામના તમામ સાધનો, બકેટ અને ઇલેક્ટ્રોનિક ત્રાજવા સાથે શાકભાજીની લારી, બકેટ અને કંડીયા સાથે ફૂલની લારી, કટલેરીની લારી, માલ સામાન હેરફેર માટેની લારી, ઘાસ વેચવાની લારી વગેરે સાધનો અપાયા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.