જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ રંગપર ગામે અમૃત સરોવરના કાંઠે શિલાફલકમ્ નું અનાવરણ કર્યુ
જિલ્લામાં અનેક સ્થળોએ તિરંગા રેલી, તિથિભોજન, પશુઓનું વેક્સીનેશન, વૃક્ષારોપણ એમ અનેકવિધ કાર્યક્રમો યોજાયા મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાનાં રંગપર ગામે અમૃત સરોવરને કાંઠે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અનવ્યે શિલાફલકમ્ નું અનાવરણ કરી વૃક્ષારોપણ તથા અન્ય તમામ કાર્યક્રમોમાં સહભાગી થઈ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાના ગામોમાં આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક પદાધિકારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં સહભાગી થયેલ તેમજ ગામની શાળાઓમાં શાળાના વિદ્યાર્થી બહોળી સંખ્યામાં હાજર રહી ઉમંગભેર તિરંગાયાત્રા યોજી રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગામોની પ્રાથમિક શાળા ખાતે તિથિભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વધુમાં, વિશ્વ સિંહ દિવસની ઉજવણી ગ્રામ્ય સ્તરે કરવામાં આવી. અમુક ગામોમાં પશુ વેક્સીનેશન અંગેનાં કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું. દરેક ગ્રામ પંચાયત ખાતે શિલાફલકમ્ નું નિર્માણ પૂર્ણ કરી આજરોજ આ શિલાફલકમ્ નું અનાવરણ કરવામાં આવ્યું હતું. દરેક ગામે ગ્રામજનો દ્વારા માટીનો ઘડો લઇ માટીયાત્રા યોજવામાં આવી હતી તેમજ હાથમાં દીવો તથા માટી લઇ પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. વસુધાવંદન અંતર્ગત દરેક ગામે પહોંચાડવામાં આવેલ રોપાનું આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત વીરોના પરિવારનાં સદસ્યોને પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો દ્વારા બહોળી સંખ્યામાં સેલ્ફી લઇ ઓનલાઇન અપલોડ કરવામાં આવી હતી. સાથો સાથ તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય, સામાજિક સુરક્ષા તેમજ G20 કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિની વિગતવાર સમજ પૂરી પાડવામાં આવી હતી.