*તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ : દેશી ઓલાદની પશુ જાતોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ*
……..
*દેશી ઓલાદની જાતોને પ્રોત્સાહિત કરવા પશુપ્રદર્શન હરિફાઈ આશિર્વાદરૂપ : પશુપાલકો માટે ઈનામ કરતાં પણ વધુ મહત્વનું તેની ઓલાદનું સન્માન*
……..
• *ચાલુ વર્ષે ૧૬૮ પશુઓ વચ્ચે હરિફાઈ યોજાઇ*
• *ગીર, કાંકરેજ ગાય, જાફરાબાદી અને બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહન*
• *”ચેમ્પિયન ઓફ ધ શો” ને રૂ. ૫૧ હજારનું ઈનામ*
• *પ્રથમ વિજેતાને ઈનામ પેટે રૂ.૨૫ હજાર, દ્વિતિય ઈનામ રૂ.૨૦ હજાર અને તૃતિય ઈનામ રૂ. ૧૫ હજાર*
• *હરિફાઈમાં ભાગ લેતા દરેક પશુ માટે રૂ. ૨ હજારનું આશ્વાસન ઈનામ* *પશુ પરિવહન અને પશુ નિભાવ માટે પણ સહાય*
ગુજરાતની પ્રગતિમાં પાયારૂપ એવા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે પશુ-પ્રદર્શન હરિફાઈ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૧૮ સપ્ટેમ્બર (ભાદરવા સુદ ત્રીજ) થી ૨૦ સપ્ટેમ્બર (ભાદરવા સુદ પાંચમ) દરમિયાન પશુ પ્રદર્શન હરિફાઈનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેનો આજે અંતિમ દિવસ છે. આ વર્ષે ગીર ગાય વર્ગમાં ૫૯, કાંકરેજ ગાયમાં ૩૯, જાફરાબાદી ભેંસમાં ૩૮ અને બન્ની ભેંસમાં ૩૨ પશુઓની નોંધણી થયા બાદ આ પશુ પ્રદર્શન હરિફાઈમાં પશુઓ વચ્ચે હરિફાઈ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૮માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આરંભાયેલી આ પશુપ્રદર્શન હરિફાઈ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને દિશાનિર્દેશ હેઠળ યોજાઇ છે. ૨૦૦૮થી યોજાતી આ હરિફાઈનો હેતુ શુદ્ધ દેશી ઓલાદના ઉચ્ચ લક્ષણો ધરાવતા પશુઓ – ગીર, કાંકરેજ ગાય, જાફરાબાદી, બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહન આપવાનો છે. આ હરિફાઈમાં દરેક વર્ગની દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય એમ કુલ ૩૬ ઈનામો આપવામાં આવે છે. સર્વ શ્રેષ્ઠ પશુને “ચેમ્પિયન ઓફ ધ શો” તરીકે રૂ. ૫૧ હજારનું ઈનામ આપવામાં આવે છે.
આ હરિફાઈમાં ગાય અને ભેંસ એમ બંને વર્ગની ઓસાદમાં ત્રણ-ત્રણ કેટેગરીમાં ઈમાન આપવામાં આવે છે. ગાયમાં વોડકી, ગાય અને સાંઢ, જ્યારે ભેંસમાં ભેંસ, જોટું(ખડેલી) અને પાડો એમ ત્રણ શ્રેણીમાં ઈનામ આપવામાં આવે છે.
જો અન્ય કેટેગરીના ઈનામની વાત કરીએ તો, દરેક વર્ગની કેટેગરીમાં પ્રથમ ઈનામ પેટે રૂ. ૨૫ હજાર, દ્વિતિય ઈનામ પેટે રૂ. ૨૦ હજાર અને તૃત્તિય ઈનામ પેટે રૂ. ૧૫ હજારની રકમ ચૂકવવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે, હરિફાઈમાં ભાગ લેતા દરેક પશુઓને આશ્વાસન ઈનામ તરીકે રૂ. ૨ હજાર ચૂકવવામાં આવે છે.
આ હરિફાઈના આયોજનનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા પશુપાલન નિયામક શ્રી ડૉ. ફાલ્ગુની ઠાકર કહે છે કે, દેશી ઓલાદની જાતોને પ્રોત્સાહિત કરવામાં આ પ્રકારની પશુપ્રદર્શન હરિફાઈ આશિર્વાદરૂપ બની રહે છે. પશુપાલકો માટે ઈનામ કરતાં પણ વધુ મહત્વનું તેની ઓલાદનું સન્માન હોય છે.
પશુપાલકોનું જોમ જળવાઈ રહે તે માટે પશુઓના પરિવહન ખર્ચ પેટે પણ પશુપાલન નિયામકની કચેરી દ્વારા આર્થિક સહાય પણ ચૂકવવામાં આવે છે. જેમાં થાન, ચોટીલા, હળવદ, વાંકાનેર અને મૂળી તાલુકા માટે રૂ. ૭૦૦, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના અન્ય તાલુકાના પશુઓ માટે રૂ. ૨,૦૦૦ ચૂકવાય છે. અન્ય જિલ્લાઓમાંથી આવતા પશુઓના પરિવહન માટે રૂ. ૪,૦૦૦ ચૂકવાય છે. આ ઉપરાંત ભાગ લેનાર પ્રત્યેક પશુ માટે દૈનિક રૂ. ૫૦૦ લેખે ત્રણ દિવસનો નિભાવ ખર્ચ પણ પશુપાલકને ચૂકવવામાં આવે છે.
આમ, ભાતીગળ સંસ્કૃતિ માટે વિશ્વ વિખ્યાત એવો તરણેતર મેળો રાજ્યના દેશી ઓલાદના પશુધનની જાળવણીના પ્રતિકસમો બની રહ્યો છે.
*તરણેતરનાં પશુ પ્રદર્શન હરીફાઈમાં કચ્છના બન્ની પ્રદેશની ભેંસ “ચેમ્પિયન ઓફ ધ શો” બની*
કચ્છના બન્ની પ્રદેશની ભેંસ “ચેમ્પિયન ઓફ ધ શો” બની છે. પશુપાલન ખાતાના વરિષ્ઠ અધિકારીશ્રીઓના હસ્તે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરી ગામમાં રહેતા શ્રી રણછોડભાઈ વાલજીભાઈ ગાગલની બન્ની ભેંસને રૂ. ૫૧ હજાર ઇનામ તથા “ચેમ્પિયન ઓફ ધ શો” ટ્રોફી એનાયત કરવામાં આવી છે. તે ઉપરાંત દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામના વિજેતાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા છે.