પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત-:મંત્રી જગદીશ વિશ્વકર્મા:
મોરબી ખાતે તારીખ ૯ અને ૧૦ ઓક્ટોબરે દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમનો સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ(તમામ સ્વત્રંત હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રમોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શુભારંભ કરાવ્યો હતો.
હાલ સમગ્ર રાજ્યમાં ‘ગ્લોબલ સમિટ’ અન્વયે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી ખાતે યોજાયેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાન્યુઆરી, ૨૦૨૪ માં આયોજીત થનાર વાઇબ્રન્ટ સમિટ પૂર્વે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે મોરબી ખાતે ‘વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાયો છે. વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની વર્ષ ૨૦૦૩ માં શરૂઆત કરાવી હતી.
‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ એટલે, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જીન. વાઈબ્રન્ટ એટલે 3T – ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન વધુ મજબૂત બનાવવું. ગુજરાતમાં લોકો આવે છે એનું કારણ છે, શ્રેષ્ઠ તકો, પૂરતી સુરક્ષા અને વધુમાં વધુ પોલીસોઓ.
મોરબીની વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામિકનું ગ્લોબલ સિરામિક માર્કેટ ૨૩૯.૫ બિલિયન ડોલર છે. મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેનું વાર્ષિક ટર્નઓવર ૬૦,૦૦૦ કરોડનું છે. મોરબી જિલ્લામાં અંદાજિત ૧૦૦૦ જેટલા સિરામિક એકમો આવેલા છે. માત્ર મોરબી જિલ્લો ૮ થી ૧૦ લાખ લોકોને રોજગારીઓ પૂરી પાડે છે. મોરબીનું નામ સાંભળતા જ આપણને ઘડિયાળની યાદ આવી જાય. મોરબી જિલ્લાની વોલ કલોક / ગીફ્ટ આર્ટીકલ ઇન્ડસ્ટ્રીઝ ભારતના વોલ ક્લોક ઉત્પાદનનો ૭૫ ટકા હિસ્સો ધરાવે છે. મોરબીની સિરામિક ઉદ્યોગ ચીનને હંફાવવાની તાકાત ધરાવે છે. મોરબી વિશે એવું કહી શકાય છે મોરબી કેન એનીથીંગ એન્ડ મોરબી વીલ.
ગુજરાત વિશે ગર્વભેર મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના GDP માં ગુજરાતનો હિસ્સો અંદાજે ૮.૪ ટકા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા હિસ્સો ગુજરાતનો છે તો ભારતના કુલ એક્સપોર્ટમાં ૩૩% ગુજરાતની ભાગીદારી છે. ગુજરાતમાં 13 લાખ થી વધુ MSME રજીસ્ટર્ડ છે .
મોટા રાજ્યોની તુલનામાં સૌથી ઓછો ૨.૨ % બેરોજગારી દર છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત છે.
વડાપ્રધાનએ ગુજરાત અને ગુજરાતીઓની ક્ષમતામાં અતૂટ વિશ્વાસ મૂકીને “ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ.”નો મંત્ર આપ્યો હતો. વડાપ્રધાનએ મૂકેલો એ વિશ્વાસ આજે સૌના સાથ સૌના વિકાસના મંત્રથી ચરિતાર્થ થયો છે.
અંતમાં મંત્રી સૌને જણાવ્યું હતું કે, સૌ સંકલ્પ કરીએ..
આપણું તન, મન, ધન દેશને અર્પણ કરીએ. મારે આકાશથી ઊંચે જાવું છે.એક ભારત નવું બનાવવું છે તેના માટે પરિશ્રમ કરીએ.
પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીમાં જી.આઈ.ડી.સી. ફાળવવા માટે સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, મોરબી વિકાસની વાટે આગળ વધી રહ્યું છે. સરકાર દ્વારા મોરબીના ઉદ્યોગો માટે ૪૦૦ કરોડના રોડ રસ્તાઓ મંજૂર કર્યા છે. આજે મોરબી સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે ચીનને હંફાવી રહ્યું છે.
આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન વિશાલ ચાવડાએ કર્યું હતું.
આ વાયબ્રન્ટ મોરબી કાર્યક્રમના ભાગરૂપે ૯૦ થી વધુ થનારા એમ.ઓ.યુ. થકી મંત્રીની ઉપસ્થિતમાં અંદાજિત ૧૮૦૦ કરોડના ૫ જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા , જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, અગ્રણી રણછોડભાઈ દલવાડી, જેઠાભાઈ મ્યાત્રા, કે.એસ. અમૃતિયા સહિત જિલ્લાના પદાધિકારી/ અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.