*ગામની સલામતી માટે વરસાદ બાદ શક્ય તેટલી ઝડપી સુરક્ષા દિવાલ બનાવવાની કામગીરી કરવા મંત્રીએ અધિકારીઓને સૂચના આપી*
મોરબી તાલુકાના ચાચાપર ગામે નદીના પટમાં ગામની સલામતી માટે સુરક્ષા દિવાલની કામગીરી અધુરી રહી હોવાના કારણે ત્યાંની સ્થિતિનું પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા નિરીક્ષણ કર્યું હતું.
ટંકારા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને પગલે છેલ્લા બે ત્રણ દિવસથી ડેમી નદી બે કાંઠે વહી રહી છે. મોરબી તાલુકાના ચાચાપર ગામ પાસે જ્યાંથી ડેમી નદી પસાર થાય છે ત્યાં વળાંક પાસે બનેલા ઘરનું ધોવાણ અટકાવવા તેમજ ગામની સલામતી અર્થે સરકાર દ્વારા સુરક્ષા દિવાલ મંજૂર કરવામાં આવી હતી. આ દિવાલનું કામ એજન્સીના વાંકે અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારે હાલ ડેમી નદીમાં પુર આવ્યું છે ત્યારે નદીના કાંઠે આવેલા ઘર ધોવાણ થવાની સંભાવના સેવાઈ રહી છે. જેથી મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સ્થળની મુલાકાત લઇ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.
સ્થળ પર હાજર સિંચાઈ વિભાગના અધિકારી તેમજ મોરબી પ્રાંત અધિકારીશ્રીને મંત્રીએ દિવાલનું કામ શક્ય તેટલું ઝડપી શરૂ થાય અને ગુણવત્તાયુક્ત કામ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. વરસાદ બંધ થાય અને કામ કરવું શક્ય બને ત્યારે શક્ય તેટલું ઝડપી આ કામ શરૂ કરાવવા માટે પણ મંત્રીશ્રીએ તાકીદ કરી હતી.