જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહિલાઓના આર્થિક ઉપાર્જન માટે વેચાણ સહ પ્રદર્શન મેળાનું આયોજન કરાયું
મોરબીમાં મહિલાઓના આર્થિક ઉપાર્જન અને ઉત્થાન માટે ૧૩ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજયમાં મહિલાઓના સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. (જી.એલ.પી.સી.) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સ્વ-સહાય જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે હેતુથી જી.એલ પી.સી દ્વારા મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તારીખ: ૧૩/૦૯/૨૦૨૪ થી ૨૨/૦૯/૨૦૨૪ સુધી રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શિવ હોલ સામે શનાળા રોડ મોરબી ખાતે પ્રાદેશિક મેળાનું આયોજન કરેલ છે.
આ પ્રાદેશિક મેળામાં ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરવા મોરબીવાસીઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.