*ફિલ્ડનો સ્ટાફ લોકો સાથે ટેલીફોનીક સંપર્ક ન જાળવે તો ગેરશિસ્તના પગલાં લેવાશે: પીજીવીસીએલના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયરને કલેક્ટરની સુચના*
મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે. બી ઝવેરીનીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા મોરબીમાં સર્જાયેલ અતિવૃષ્ટિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરાઈ હતી.
આ આપત્તિના દરમિયાન વહીવટી તંત્ર દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા અને ધ્યાને લઈ યુદ્ધના ધોરણે જે કામગીરી કરવામાં આવી તેની રાજ્ય સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી છે તેવું પદાધિકારીઓએ પણ જણાવ્યું કર્યો હતો.
આ બેઠક દરમિયાન કલેક્ટરએ વહીવટી તંત્રના તમામ અધિકારી/કર્મચારીઓને પ્રજાભિમુખ બની લોકોના હિત માટે કામગીરી કરવા તથા લોકોની સેવા માટે હકારાત્મક અભિગમ દાખવવા જણાવ્યું હતું.
આપત્તિ અને આકસ્મિક સમયે લોકોનો વહીવટી તંત્ર સાથે સીધો સંપર્ક જળવાઈ રહે તેવા હેતુ સાથે જિલ્લાના તમામ આપાતકાલીન સંપર્ક નંબર અને હેલ્પલાઇન નંબરમાં લોકોને યોગ્ય પ્રત્યુતર મળી રહે તે પ્રકારની કામગીરી કરવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. વધુમાં પીજીવીસીએલના કર્મચારીઓ લોકોને પડતી સમસ્યાઓ નિવારવા તત્પરતા દાખવે અને ફિલ્ડનો સ્ટાફ લોકો ના ફોન ઉપાડી તેમની સમસ્યાઓનું ઝડપી અને સચોટ નિરાકરણ આવે તે પ્રકારની કામગીરી થાય તે જોવા પીજીવીસીએલના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર ડી.આર. ગઢીયાને તાકીદ કરી હતી. વધુમાં કોઈ કર્મચારી જો જરૂરિયાતના સમયે લોકોના ફોનના પ્રત્યુતર ના આપે તો તાત્કાલિક ધોરણે ગેરશિસ્તના પગલાં લેવા સુચના આપી હતી.