*માળિયા સહિત જિલ્લામાં સર્જાતી પરિસ્થિતિના નિરાકરણ માટેનું આયોજન કલેક્ટર કે.બી ઝવેરી દ્વારા સરકારશ્રી સમક્ષ રજૂ કરાશે*
મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે શક્ય તેટલું ઓછું નુકસાન થાય અને જિલ્લામાં તરાજી ન સર્જાય તે માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી સતત ચિંતિત રહ્યા છે. ત્યારે ગત ૨૦ સપ્ટેમ્બરના રોજ કલેક્ટરએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી ભારે વરસાદના કારણે જિલ્લામાં સર્જાતી પરિસ્થિતિ અને તેના નિવારણ અંગે વિગતે સમીક્ષા કરી હતી.
ઇતિહાસમાં પણ જ્યારે જ્યારે મચ્છુ-૨ ડેમનાં વધુ દરવાજા ખોલવાની ફરજ પડી છે, ત્યારે મોરબી તાલુકાના કેટલાક વિસ્તારો અને માળિયા સહિત માળિયાના ઘણા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળે છે. જેથી કેટલાક ગામ સંપર્ક વિહોણા બને છે અને પાકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થાય છે. ઉપરાંત વિશેષમાં કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતો નેશનલ હાઈવે પણ બંધ કરાવવાની ફરજ પડે છે. આ વખતે અતિવૃષ્ટિની આગાહી દરમિયાન જ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર સાબદુ બની ગયું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીના કારણે આ વખતે મચ્છુ હોનારત બાદ સૌથી વધુ પ્રમાણમાં મચ્છુ નદીમાં પાણી છોડવાની ફરજ પડવા છતાં શક્ય તેટલું નહિવત નુકસાન થયું અને કોઇ જાનહાની સર્જાઈ નથી.
આ પરિસ્થિતિ સાથે સમાધાન નહીં પણ તેનું યોગ્ય અને સચોટ ને કાયમી નિરાકરણ આવે તે પ્રકારનું આયોજન કરવાની જિલ્લા કલેક્ટરએ તત્પરતા દાખવી છે. જેના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વખતે અતિવૃષ્ટિના પગલે સર્જાયેલ પરિસ્થિતિનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવ્યું અને આ નિરીક્ષણ પરથી જરૂરી મુદ્દાઓ તારવવામાં આવ્યા. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ કલેક્ટરએ જિલ્લાના પદાધિકારીઓ સાથે વિગતે ચર્ચા-વિચારણા કરી હતી. આ વિચાર વિમર્શમાં સંપર્ક વિહોણા બનતા માળીયા, ફતેપર, હરીપર સહિતના ગામડાઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કેવી રીતે લાવી શકાય ઉપરાંત નેશનલ હાઇવે પર પાણી ન આવે તે માટે યોગ્ય પ્લાનીંગ સાથે કામગીરીનું આયોજન કરવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સમસ્યાના કાયમી સમાધાન માટે વહીવટી તંત્રના વિવિધ વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી અંગે પણ આયોજન કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વધુ વરસાદના પગલે મોરબી તેમજ માળિયામાં સર્જાતી પરિસ્થિતિના કાયમી સમાધાન માટે યોગ્ય આયોજન કરી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. રાજ્ય સરકારની સુચના અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી માળીયા સહિત સમગ્ર વિસ્તારને આ સમસ્યામાંથી કાયમી છુટકારો મળે તે પ્રકારની કામગીરી હાથ ધરાશે.