પ્રાકૃતિક કૃષિ, મોડેલ ફાર્મ વિઝિટ, કૃષિ પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે
રાજ્યમાં ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ માર્ગદર્શન મળે, તેમને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુથી આગામી તારીખ ૦૬/૧૨/૨૦૨૪ અને તારીખ ૦૭/૧૨/૨૦૨૪ ના રોજ બે દિવસીય કૃષિ મહોત્સવનું મોરબી જિલ્લાના પાંચ તાલુકા મથકોએ તાલુકા કક્ષાના પાંચ રવિ કૃષિ મહોત્સવ યોજાશે.
આ રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીગણ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના પહેલા દિવસે સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર પાક પદ્ધતિ, મિક્સ ફાર્મિંગ મેથડ, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાયેલા મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે. બીજા દિવસે વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મીલેટસ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિસંવાદ, પ્રગતિશીલ ખેડૂતોના વક્તવ્યો, કૃષિ વૈજ્ઞાનિકો/ તજજ્ઞોના વક્તવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ, બાગાયતી પદ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશોનું પ્રદર્શન, પશુ આરોગ્ય તપાસણી કેમ્પ, ઈ કેવાયસી, ફાર્મ રજીસ્ટ્રી, સેલ્ફ રજીસ્ટ્રેશન જેવી માહિતીલક્ષી સ્ટોલ ઉભા કરવામાં આવશે.
મોરબી તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- ગોર ખીજડીયા, વાંકાનેર તાલુકામાં અમરસિંહજી હાઇસ્કુલ, હળવદ તાલુકામાં એ.પી.એમ.સી. હળવદ, માળીયા તાલુકામાં પટેલ સમાજ વાડી, સરદાર નગર- સરવડ, અને ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમ, લતીપર રોડ- કલ્યાણપર ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રવિ કૃષિ મહોત્સવમાં મોરબી જિલ્લાના તમામ ખેડૂતો લાભ લે, વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવે, ખેડૂતો આ કાર્યક્રમનો મહત્તમ લાભ મેળવે- તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.