કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને કલેક્ટર કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિ; અંદાજિત ૭૦૦ ખેડૂતો જોડાયા
મોરબી જિલ્લામાં તમામ તાલુકાઓમાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવની સાથે સાથે હળવદ ખાતે હળવદ તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ શુભારંભ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા મોરબી કલેક્ટર કે.બી. ઝવેરી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતોને રવિ પાકો, અધ્યતન કૃષિ ટેકનોલોજી અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવાના હેતુ સાથે સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય તથા કલેક્ટર દ્વારા સરકાર દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ અને કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ યોજનાઓનો વધુને વધુ લાભ લેવા પણ તેમણે ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
આ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં અંદાજિત ૭૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમને મહાનુભાવો તથા વિવિધ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા સ્ટોલ પરથી ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કલેકટર સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.