કુદરતી જંતુનાશકોના વપરાશથી જમીનમાં અને છોડમાં મિત્રકીટકોની સંખ્યા વધે છે
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને લોકોના આરોગ્યની જાળવણી થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કુદરતી જંતુનાશકોના વપરાશથી જમીનમાં અને છોડમાં મિત્રકીટકોની સંખ્યા વધે છે. આજે આ લેખ સિરીઝમાં આપણે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાયેલી જંતુનાશક દવાઓ વિશે જાણકારી મેળવીશું.
નિમાસ્ત્ર બનાવવાની રીત :-
૨૦૦ લીટર પાણી, ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૨ કિગ્રા દેશી ગાયનું ગોબર, ૧૦ કિગ્રા કડવા લીમડાના પાન, લીમડાની ડાળીઓ, અથવા ૨૦ થી ૩૦ કિગ્રા લીંબોડી ખાંડીને આ મિશ્રણને ૪૮ કલાક સુધી કોથળાથી ઢાંકી દો. સવાર- સાંજના ૫- ૫ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં આ મિશ્રણને વ્યવસ્થિત રીતે હલાવો.
ત્યારબાદ તેને ઝીણા કપડાથી ગાળ્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. આ મિશ્રણ ૬ મહિના સુધી વાપરી શકાય છે. પ્રતિ એકર ૨૦૦ લીટર નિમાસ્ત્ર છાંટી શકાય છે. આ મિશ્રણમાં પાણી ભેળવવાની જરૂર નથી.
અગ્નિઅસ્ત્ર બનાવવાની રીત :-
૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૨ કિગ્રા કડવા લીમડાના પાન, ૨૫૦ ગ્રામ દેશી લસણ, ૫૦૦ ગ્રામ તીખા મરચા, ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર, ૫૦૦ ગ્રામ આદુ- આ મિશ્રણને ધીમા તાપે ઉકાળો. તે સાવ ઓગળી જાય, એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવું. આ મિશ્રણ ઠંડુ પડી જાય પછી ૨ દિવસ સુધી સવાર- સાંજ ૫- ૫ મિનિટ માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો.
પછી તેને ઝીણા કપડાથી ગાળી લો. આ મિશ્રણ ૩ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે. પ્રતિ એકર ૧૦૦- ૨૦૦ લીટર પાણી અને ૬- ૮ લીટર અગ્નિઅસ્ત્ર સાથે મેળવીને તેનો છંટકાવ કરી શકાય છે.
બ્રમ્હાસ્ત્ર બનાવવાની રીત :-
૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૨ કિગ્રા કડવા લીમડાના પાન, ૨ કિગ્રા કરંજના પાન, ૨ કિગ્રા સીતાફળના પાન, ૨ કિગ્રા એરંડાના પાન, ૨ કિગ્રા ધતૂરાના પાન, ૨ કિગ્રા બીલીપત્રના પાન- આ મિશ્રણને ધીમા તાપે ઉકાળો. તે ઓગળી જાય, એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર- સાંજ ૫- ૫ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો.
પછી તેને ગરમ પાણીમાં બોળેલા ઝીણા કપડાથી ગાળી લો. આ મિશ્રણ ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે. પ્રતિ એકર ૧૦૦- ૨૦૦ લીટર પાણી અને ૬- ૮ લીટર બ્રમ્હાસ્ત્ર સાથે મેળવીને તેનો છંટકાવ કરી શકાય છે.