Tuesday, January 7, 2025

વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં એક્સ્ટ્રા ફોર્સ સાથે આગામી સમયમાં એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

Advertisement

મોરબી જિલ્લા પોલીસ SIT: એક દૂરંદેશી પહેલ

નાનામાં નાના વેપારીથી લઇને ઉદ્યોગપતિઓને સહયોગ અને વેપારને રક્ષણ-સંવર્ધન માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

વેપારીઓને તાત્કાલીક પોલીસ મદદ મળે તેમજ તેમની ફરીયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે રચાયેલી SITની પ્રસંશનીય કાર્યવાહી

મોરબી સીરામીક ઉધોગના વેપારીઓના ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરી SIT એ વેપારીઓનો વિશ્વાસ જીત્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા ફસાયેલા નાણાં પરત અપાવવા સહિતની કાર્યવાહી માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા પોલીસ SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરવામાં આવી હતી. આ S.I.T. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન મોરબી સીરામીક તથા અન્ય ઉધોગોના વેપારીઓના ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, કરોડોનો ઉદ્યોગ અને લાખોની રોજગારી પુરી પાડવાની સાથે દેશમાં સૌથી ઝડપી વિકાસ પામનાર શહેર મોરબી છે, જે ગુજરાતનું હ્રદય છે. મોરબીના સૌ નાનામાં નાના વેપારીથી લઇને ઉદ્યોગપતિઓને તમામ પ્રકારનો સહયોગ આપી વેપાર-ઉદ્યોગને રક્ષણ આપવા સહિત જરૂરી બળ પુરૂ પાડવા ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર છે.

મંત્રીશ્રીએ કહ્યુ કે, વેપારીઓને તાત્કાલીક પોલીસ મદદ મળે તેમજ તેમની ફરીયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે એક વર્ષ પહેલા રચાયેલી SITથી વેપારીઓને રક્ષણ તો મળ્યુ જ છે, સાથે સાથે SITની ટીમ કેરલ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આ તપાસ માટે પહોંચી ચુકી છે. જેને પરિણામે હવે ચીટર ટોળકીઓમાં ગભરાટ ઉભો થઇ ગયો છે અને ગુજરાતના વેપારીઓના ફસાયેલા રૂપીયા પરત આવવા લાગ્યા છે.

હર્ષ સંઘવીએ વેપારીઓને વિશ્વાસ આપતા કહ્યુ કે, હજુ જે વેપારીઓના પૈસા ફસાયેલા છે અને અરજીઓ એસ.આઇ.ટી પાસે પેન્ડીંગ છે, તેના નિરાકરણ માટે આગામી સમયમાં એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે. એક્સ્ટ્રા ફોર્સ સાથે ટીમોને અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે મોકલી સૌ વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં આવશે. સાથે સાથે મંત્રીશ્રીએ વેપારીઓને સલાહ આપતા કહ્યુ હતું કે, ધંધાની લાલચમાં એવા કોઇ ચીટર વેપારીઓને માલ ન આપવો જેના કારણે ભવિષ્યમાં રૂપિયા ફસાઇ જાય. પોલીસ તંત્ર વેપારીઓના સહયોગમાં જ છે પરંતુ કેટલીક તકેદારી વેપારીઓએ પણ રાખવી જોઇએ.

એસ.આઈ.ટી.ની રચના બાદ વેપારીઓ-ઉદ્યોગપતિઓના ફસાયેલા નાણા બાબતે અલગ અલગ રાજ્યના કુલ ૪૦૮ એકમો વિરુધ્ધ ૧૦૩ અરજીઓ એસ.આઇ.ટીને મળી હતી. જેને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી અને સિરામિક ઉદ્યોગ સહિતના ઉદ્યોગોના વિવિધ નાણાકીય વ્યવહારોમાં ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરાવી SITએ વેપારીઓનો વિશ્વાસ જીત્યો છે.

વેપારીઓને તાત્કાલીક પોલીસ મદદ મળી રહે અને વેપારીઓના રૂપિયા પરત મળતા થાય તેમજ તેમની ફરીયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને એસ.આઇ.ટીની રચના તા.૧૯મી મે-૨૦૨૩ના રોજ કરી હતી.

SITની રચનાથી વેપારીઓને મળેલી સલામતીને પરિણામે મોરબીના વિવિધ ઉદ્યોગ એસોસિયેશનના પ્રતિનિધિઓ તેમજ વેપારીઓ દ્વારા સૌ વેપારીઓ-ઉદ્યોગપતિઓ વતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજકોટ રેન્જ ડી.આઇ.જી તેમજ મોરબી એસ.પીનું અભિવાદન-સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજી દેઘરીયા, પ્રકાશભાઈ વરમોરા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, રાજકોટ રેન્જ ડીઆઈજી અશોક કુમાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તેમજ વિવિધ ઉદ્યોગ એસોસિયેશનના પ્રતિનિધિશ્રીઓ તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW