નવયુગલોને કરિયાવર સ્વરૂપે વિવિધ અગ્રણીઓ અને દાતાઓના સહયોગથી ૧૧૬ થી વધુ ઘરવખરીની સામગ્રીઓ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સરકારની સાત ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મામેરુંની આર્થિક સહાય અપાઈ
મોરબી જિલ્લામાં છેલ્લા ૧૪ વર્ષથી સેવાકીય ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત તારીખ ૨૩-૦૨-૨૦૨૫ ના રોજ ૨૫ યુગલો માટે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તમામ યુગલોને કરિયાવર સ્વરૂપે દાતાઓના સહયોગથી ૧૧૬ થી વધુ ઘરવખરીની સામગ્રીઓ, ગૃહ સુશોભનની વસ્તુઓ, રસોડાનો સામાન, આભૂષણો, વાસણો, રાચરચીલું વગેરે જીવન જરૂરિયાતની વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને દાતાશ્રીઓએ દાનની સરવાણી વહાવી દીધી હતી. જેમાં કુલ રૂ.૧,૩૨,૬૬૫ થી વધુ રકમનું દાન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી દ્વારા તમામ યુગલોને કરિયાવરની સાથે સાથે લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રાજ્ય સરકારની સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત રૂ.૧૨,૦૦૦ અને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત રૂ.૧૨,૦૦૦ એમ કુલ મળીને રૂ.૨૪,૦૦૦ ની સરકારી સહાય મળી રહે તે હેતુસર સમગ્ર ખાતાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. આ તકે કુલ રૂ.૬,૦૦,૦૦૦ ની આર્થિક સહાય નવયુગલોને અર્પણ કરાઈ હતી.
આ સમગ્ર સમૂહ લગ્ન સમારોહને સફળ બનાવવા માટે વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડો.પરેશ કુમાર પારીઆ, ઉપપ્રમુખ નંદની પારીઆ, વિવિધ નામી અનામી દાતાઓ, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.