હળવદ તાલુકાના માનગઢ ગામે અગરિયાઓ ના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
મોબાઈલ હેલ્થ યુનિટ- ટીકર(રણ) દ્વારા તા.૧૭/૦૩/૨૦૨૫ નાં રોજ માનગઢ સબસેન્ટર પાસે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિનામૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવી હતી અને દર્દીઓ માટે બીપીની તપાસ, સુગરની તપાસ, પ્રસુતિની તપાસ, શરીરના તાપમાનની તપાસ, હૃદયના ધબકારાની તપાસ તેમજ હિમોગ્લોબીનની તપાસ પણ કરવામાં આવી હતી.આ કેમ્પમાં ૨૧૨ જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં અનુભવી ફીજીસિયન ડોકટરોની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન તેમજ સેવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચીંતન દોશી , એમ.એચ.યુ. મેડિકલ ઓફિસર ડો. જેનીશ ઝાલરિયા, સી.એચ.ઓ કાજલબેન ભડાણીયા, એમ.પી.એચ.એસ ચિરાગભાઈ રામાણી, એમ.પી.એચ.ડબલ્યુ વિપુલભાઈ જોષી, એફ.એચ.ડબલ્યુ રાધિકાબેન ચૌહાણ તથા આશા બહેનો અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.