મોરબી: શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર્યતેજ ગ્રુપ કોલેજીસ-મોરબી દ્વારા શિક્ષકોના “સારસ્વત સન્માન સમારોહ”નું આગામી તારીખ 30 માર્ચને રવિવારના રોજ આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી, 8-એ નેશનલ હાઇવે, કંડલા હાઇવે, લક્ષ્મીનગર મોરબી ખાતે આયોજન કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં નકલંક મંદિર-બગથળાના પુજ્ય દામજી ભગત આર્શિવચન આપશે. તેમજ સાસંદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાશે. મુખ્ય મહેમાન તરીકે સાસંદ વિનોદભાઈ ચાવડા, આરએસએસ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો.જે.એસ.ભાડેસીયા તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહેશે.
આ તકે આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ મોરબીના ડાયરેક્ટર રમેશભાઈ કૈલાએ જણાવ્યું હતું કે, સારસ્વત સન્માન સમારોહમાં મોરબી જિલ્લાના તમામ શિક્ષકો જેમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના આચાર્ય અને શિક્ષકો, અને પ્રાથમિક શાળાના આચાર્યનું સન્માન કરવામાં આવશે. વાંકાનેર, હળવદ, માળિયા, મોરબી અને ટંકારા સહિત અંદાજિત 2000 શિક્ષકો આ કાર્યક્રમમાં હાજરી રહેશે. આ કાર્યક્રમમાં આવનાર શિક્ષકો માટે રાજકોટની માધાપર ચોકડીએ 8 વાગ્યે, હળવદમાં સરા ચોકડીએ 8:30, ટંકારા-લતીપર ચોકડી, વાંકાનેર ચંદ્રપુર ચોકડી, મોરબીના નવા બસ સ્ટેન્ડ, પીપળીયા ચાર રસ્તે બસની વ્યવસ્થા કરી છે અને નંબર પણ આપવામાં આવશે. જેથી કોઈપણ શિક્ષકને આવવા માટે પણ તકલીફ ન પડે.