ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
અગાઉ મોરબીમાં આયોજિત સરસ મેળા થકી વ્યવસાયને ગતિ મળી હોવાનું માનતા સુમિતાબેન ચૌધરી
– સરસ મજાનો સરસ મેળો.. રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાન ખાતે ૦૪ મે સુધી ‘સરસ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટોલ નં. ૩૦ છે ગુલાબ સખી મંડળનો… મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લખધીરગઢ ગામમાં કાર્યરત ગુલાબ સખી મંડળમાંથી સભ્યશ્રી સુમિતાબેન ચૌધરી રાજકોટ આવેલા છે અને અહીં હસ્તકલાની બનાવટો વેચી રહ્યાં છે. જ્યાં પ્રથમ દિવસે, એટલે કે માત્ર એક જ દિવસમાં તેઓને રૂ. ૦૬ હજારથી વધુનું વેચાણ થયું છે. આ મંડળ સાથે જોડાયેલી મહિલાઓ ઉત્સાહભેર ભિન્ન-ભિન્ન પ્રકારની ઘર સજાવટમાં ઉપયોગી ચીજોના ઉત્પાદન-વેચાણમાં વ્યસ્ત છે. દરેક વસ્તુઓ બનાવવા પાછળ તેમની સંયુક્ત મહેનત છુપાયેલી છે.
સુમિતાબેન ચૌધરી જણાવે છે કે, અમારા મંડળમાં ૧૦ બહેનો જોડાયેલા છે. મારે આ ત્રીજો સરસ મેળો છે. મને સરસ મેળામાં અનેક લાભ મળે છે. સરકારના આ પ્રકારના કાર્યક્રમો મહિલાઓને આર્થિક રીતે પગભર કરે છે. મેં હસ્તકલાની તાલીમ પણ લીધી છે અને મારી પાસે આર્ટિઝન કાર્ડ પણ છે. સરકારી, નિગમ, ખાનગી આયોજનવાળા અનેક મેળાઓમાં ભાગ લીધો છે. અમે પ્રોડક્ટમાં થાળી રૂમાલ, ત્રાસ રૂમાલ, ઘોડિયાંની દોરી, પૂજામાં બેસવાના આસન, થેલી, કમર બેલ્ટ, મોબાઈલ કવર, તોરણ, વર પોંખવાની ચૂંદડી, ઈંઢોણી, કાન્હાના વાઘા વગેરે જેવી ભરતગૂંથણ અને ઊનમાંથી બનતી હાથબનાવટની ચીજવસ્તુઓ બનાવીએ છીએ. જેમાં મંડળની બહેનોનો ખૂબ સાથ-સહકાર મળે છે અને સરકાર પણ પૂરો સહયોગ આપે છે.
સુમિતાબેનને ભૂતકાળમાં મોરબીમાં ‘સરસ મેળા’નો સુ:ખદ અનુભવ રહ્યો છે. તેઓને ત્યાં સારો પ્રતિસાદ મળતાં તેમના વ્યવસાયને ગતિ મળી હોવાનું માનતા, તેઓ કહે છે કે, અગાઉ મોરબીમાં સરસ મેળામાં મારો સ્ટોલ હતો, ત્યારથી હજુ સુધી સતત ઓર્ડર મળ્યાં રાખે છે. હું એ કામમાંથી નવરી નથી થતી. ૨૫-૫૦ નંગ બનાવવાના હોય, એવા હોલસેલમાં જ ઓર્ડર આવે છે.
આમ, ગુજરાત સરકારના “સખી મેળા” મહિલાઓ માટે નવી તકો સર્જે છે, આર્થિક કમાણી કરાવે છે અને તેઓનો આત્મવિશ્વાસમાં વધારો કરે છે. લખધીરગઢ જેવા ગ્રામ્ય વિસ્તારમાં ગુલાબ સખી મંડળની મહિલાઓનું હસ્તકલાનું કૌશલ્ય કળીની જેમ ખીલ્યું છે. ગુજરાત સરકારના સહકારથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ ઓળખ આજે બનાવી શકે છે અને સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે છે, જે વાત સખી મંડળની બહેનોએ સાબિત કરી છે.