ટંકારા ખજુરા હોટલ પાસે આંગડીયા પેઢીના કર્મચારીને આંતરી ૯૦ લાખની દિલધડક લુંટમાં બે લુંટારા ઝડપાયા
મોરબી પોલીસે રોકેટ ગતિએ કરેલી કામગીરીથી લુંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી લાખોની રકમ રિકવર કરી પોલીસની નાકાબંધીએ લુંટારાના નાકમાં દમ લાવી દીધો જિલ્લો છોડે તે પહેલા જ બે ને દબોચી લીધા
મોરબીના આંગડીયા પેઢીના લાખોની લુંટમાં બધા લુંટરા ભાવનગરના નિકળ્યા રોકડ રકમ બે કાર સહીત ૮૨.૫૦ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો બે ઝડપાયા પાંચ ફરાર
મોરબી : ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારને ઠોકર મારીને આંતરી રૂ.90 લાખની ધાડ કરીને સાત શખ્સો ભાગ્યા હતા. આથી આ ધાડ પાડું ગેંગને દબોચી લેવા તુરંત જ પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. પોલીસે આરોપીઓને અટકવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને પોલીસની ભારે મશક્તને અંતે બે આરોપીઓ હાથ લાગ્યા હતા. બાકીના પાંચેક આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ અંગે જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં બે આરોપીઓની વિધિવત રૂ.72 લાખની રકમ સાથે ધરપકડ કરી હોવાનું જાહેર કર્યું છે.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ ટંકારા નજીક બનેલી ધાડની ઘટનાની મીડિયા સમક્ષ વિગતો જાહેર કરી હતી કે, રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ધરાવતા નિલેશભાઈ મનસુખભાઇ ભાલોડી ગઈકાલે રૂ.90 લાખની રોકડ રકમ લઈને મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ આવી રહ્યા હોય ત્યારે ગુનાના ઇરાદે અગાઉથી જ આ આંગડિયાના માલિકનો પીછો કરીને બે કારમાં આવતા સાતેક જેટલા શખ્સોએ ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે આંગડિયા પેઢીના માલિકની કારને જોરદાર ઠોકર મારીને 90 લાખની રોકડ રકમની ધાડ ચલાવી નાસી છૂટયાનો બનાવ સામે આવતાની સાથે સમગ્ર મોરબી જિલ્લાનો પોલીસ કાફલો એક્શનમાં આવ્યો હતો. જો કે ભોગ બનનારે આ ઘટના બની તુરંત જ તેમના જાણીતા રાજકોટના સિનિયર પોલીસ અધિકારીને જાણ કરતા આ બનાવ અંગે મોરબી ડીવાયએસપી ઝાલાને જાણ થઈ હતી. આથી તેઓએ તુરંત જ ઘટના સ્થળે દોડી જઈને પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી. આ સાથે આરોપીઓને અટકાવવા પોલીસે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું.
બે આરોપી અભિ લાલાભાઈ અલગોતર ઉ.વ. 25 અભિજીત ભાવેશભાઈ ભાર્ગવ ઉ.વ. 25ને રૂ.72 લાખની રોકડ સાથે પકડી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ બન્ને આરોપીઓ ભાવનગર પંથકના છે. જેમાં એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હજુ 4થી 5 આરોપીઓની શોધખોળ ચાલુ છે. કોઈ જાણભેદુએ જ આંગડિયા પેઢીના માલિકની માહિતી લીક કરી હોવાની આશંકાના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે
વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે રૂ. 72 લાખની રોકડ રિકવર કરવામાં આવી છે. બે કાર અને ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે. આ રકમ ફરિયાદી ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે અંગે પણ તપાસ કરાશે. અંતમાં એસપીએ કહ્યું કે અગાઉ નાકાબંધીની મોકડ્રિલ કરી હતી જેના આધારે ગણતરીના સમયમાં જ બન્ને ડીવાયએસપી, એસઓજી, એલસીબી, ટંકારા પોલીસ, વાંકાનેર પોલીસ સહિતની ટીમોએ એક્ટિવ થઈ નાકાબંધી કરી હતી.
આ કામગીરીમાં ડીવાયએસપી સમીર સારડા, ડીવાયએસપી પી.એ. ઝાલા, એલસીબી પી.આઈ. એમ.પી.પંડ્યા, ટંકારા પી.આઈ. કેમ.એમ. છાસિયા સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો.