નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનમાં શાંતિ, સુખ અને શૌર્યની પ્રાપ્તિ થાય છે.
માતા ચંદ્રઘંટા કોણ છે?
માતાજીનું આ સ્વરૂપ સુંદર અને શાંત છે, છતાં તે ભયાનક શક્તિ ધરાવે છે. તેમના કપાળ પર અર્ધચંદ્ર શોભે છે, જે ઘંટના આકારનો હોવાથી તેમનું નામ ‘ચંદ્રઘંટા’ પડ્યું છે. માતાજીનું વાહન સિંહ છે અને તેમના દસ હાથમાં વિવિધ પ્રકારનાં શસ્ત્રો હોય છે. તેમનો આ અવતાર રાક્ષસોનો નાશ કરવા માટે થયો હતો.
પૂજાનું મહત્વ અને લાભ
માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ એવું છે કે તે ભક્તોને શાંતિ પ્રદાન કરે છે અને દુષ્ટોનો નાશ કરે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી ભક્તના મનમાં રહેલા તમામ નકારાત્મક વિચારો, ભય અને મુશ્કેલીઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે માતાજીની પૂજાથી ભક્તોમાં સાહસ અને નિર્ભયતા આવે છે.
આ ઉપરાંત, આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિના મનમાં દૈવી શક્તિઓનો સંચાર થાય છે અને તેને અસામાન્ય શાંતિનો અનુભવ થાય છે. માતાજીના આ સ્વરૂપની પૂજા મંગળ ગ્રહને શાંત કરવા માટે પણ કરવામાં આવે છે. આ દિવસે માતાજીને દૂધની ખીરનો ભોગ ધરાવવાનું વિશેષ મહત્વ છે.
આમ, ત્રીજા નોરતાના દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી શૌર્ય, શાંતિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.
ભાગવતાચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર ડી.દવે
મહાવીર નગર સોસાયટી
સામાકાંઠે ગજાનન મોરબી -૨
મો.80009 11444





