Friday, March 6, 2026

ખેતીમાં આધુનિકતાનો અભિગમ; ‘એગ્રીસ્ટેક’ યોજના હેઠળ ડિજિટલ ક્રોપ સર્વેનું હવે AI બોટ દ્વારા થશે વેરિફિકેશન

Advertisement
Advertisement
Advertisement

રવિ પાકના સર્વે ડેટાની સચોટતા ચકાસવા ખેડૂતોને આવશે ઓટોમેટેડ વોઇસ કોલ અને વોટ્સએપ મેસેજ; અફવાઓથી દૂર રહી સાચી વિગતો આપવા ખેડૂતોને અપીલ

ભારત સરકારની ‘એગ્રીસ્ટેક’ યોજના હેઠળ ખેતી ક્ષેત્રને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી વધુ આધુનિક અને પારદર્શક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવેલા ‘ડિજિટલ ક્રોપ સર્વે’ની પ્રક્રિયાને વધુ સચોટ અને ક્ષતિરહિત બનાવવા માટે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વર્તમાન રવિ ઋતુ દરમિયાન, સર્વેયરો દ્વારા ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લઈ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પાકના ભૌગોલિક સ્થાન (જીઓ-ટેગિંગ) સાથેના ફોટા અને અન્ય વિગતો રેકોર્ડ કરવામાં આવી છે. આ એકત્રિત થયેલા ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા AI બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત, જે ખેડૂતોનો સર્વે પૂર્ણ થયો છે, તેમને ઓટોમેટેડ વોઇસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ખેડૂતો પાસેથી તેમના ખેતર અને પાક સંબંધિત માહિતીની પુષ્ટિ (Confirmation) કરવામાં આવશે. મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા મોરબીના તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે, જ્યારે તેમને આવો ઓટોમેટેડ કોલ અથવા મેસેજ મળે, ત્યારે તેઓ કોઈપણ સંકોચ વિના તેમના ખેતર અને પાકની સાચી અને સચોટ માહિતી પૂરી પાડે. આ એક સંપૂર્ણ સરકારી અને સુરક્ષિત પહેલ હોવાથી, ખેડૂતોને કોઈપણ પ્રકારની અફવાઓ / ગેરમાર્ગે દોરનારી વાતોમાં ન આવવા અને ટેકનોલોજીના આ માધ્યમમાં સહયોગ અનુરોધ કરાયો છે.

આ ડિજિટલ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતી સંબંધિત ડેટાને વધુ વિશ્વસનીય બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં પાક વીમો, કુદરતી આફત વખતે સહાય અથવા અન્ય સરકારી યોજનાઓના લાભ ખેડૂતોને કોઈપણ વિલંબ વગર સીધા અને ઝડપથી મળી શકે. રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ખેડૂત ભાઈઓને આધુનિક ખેતીના આ ડિજિટલ અભિયાનમાં સક્રિય સહયોગ આપી દેશના કૃષિ માળખાને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW