Saturday, March 7, 2026

મોરબીમાં નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન સમીર ખરેના અધ્યક્ષસ્થાને બંદર વિકાસ અને નિકાસલક્ષી બેઠક યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

નવલખી બંદરનો વિકાસ અને બગસરા જેટીની દરખાસ્ત: મીઠાના ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ બનાવવા સરકારનો હકારાત્મક અભિગમ

વહાણવટી ફેડરેશન દ્વારા રજૂઆત; સલાયા બંદર પર ઇમિગ્રેશનના પ્રશ્નો અને હેરિટેજ સમાન ‘લાકડાના વહાણ’ બનાવવાની વર્ષો જૂની કળાના સંવર્ધન અને પ્રોત્સાહન અંગે મહત્વની ચર્ચા

મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં બંદરોની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ બાબતને ધ્યાને રાખી નેશનલ શિપિંગ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન સમીર ખરેના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે સોલ્ટ એસોસિએશન અને વહાણવટી ફેડરેશનના પ્રતિનિધિઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંદરોના આધુનિકીકરણ, પરિવહન સુવિધા અને નિકાસમાં નડતા પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સરકારના હકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં સોલ્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા નવલખી બંદર પર કોલસાના હેન્ડલિંગના કારણે મીઠાની ગુણવત્તા પર થતી અસરો અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નના નિવારણ માટે અને મીઠાના પરિવહનને વધુ સુગમ બનાવવા માટે ‘બગસરા જેટી/બંદર’ વિકસાવવાની માંગણી પર ચેરમેનએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. મોરબી મેરીટાઈમ બોર્ડના અધિકારીઓએ આ અંગેની સત્તાવાર પ્રપોઝલ વડી કચેરીએ મોકલવાની ખાતરી આપી હતી, જે ભવિષ્યમાં મોરબીના મીઠા ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

લાકડાના વહાણ બનાવવાની વર્ષો જૂની અને ભવ્ય વિરાસત સમાન કળા સાથે સંકળાયેલા વહાણવટી ફેડરેશનના પ્રતિનિધિઓએ આ કળાના અસ્તિત્વ અને વિકાસ માટે જરૂરી પ્રોત્સાહનની માંગ તથા સલાયા બંદર ખાતે હાલમાં ઉદ્ભવેલા ઇમિગ્રેશન (આગમન-નિર્ગમન) સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. ચેરમેનએ આ હેરિટેજ કળાના મહત્વને સ્વીકારી, તેના વિકાસ, સંવર્ધન અને કસબીઓને પ્રોત્સાહન પૂરું પાડવા બાબતે ગહન વિચારણા કરી હતી. આ કળા જીવંત રહે તે માટે તેને આધુનિક શિપિંગ ઉદ્યોગ સાથે કેવી રીતે સાંકળી શકાય તે દિશામાં હકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.
વધુમાં, મોરબીના નવલખી બંદરથી કચ્છના કંડલા પોર્ટ સુધીના અંતરને ઘટાડવા માટે દરિયાઈ માર્ગ/બ્રિજ વિકસાવવાના પ્રોજેક્ટની સંભાવનાઓ પર પણ ટેકનિકલ ચર્ચા કરવામાં આવી હતી. ચેરમેનએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં કોસ્ટલ શિપિંગ માટે કરવામાં આવેલી ખાસ જોગવાઈ અને સાગરમાલા પ્રોજેક્ટ સહિતના ક્રાંતિકારી પગલાંઓ અંતર્ગત ગુજરાતના બંદરો વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ થઈ રહ્યા છે.

આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, સંતોષકુમાર દારોકાર, મેરીટાઈમ બોર્ડના અધિકારી રાકેશ મિશ્રા અને રાજલ રાઠોડ, મદદનીશ ઉદ્યોગ કમિશનર જયદીપ ધામી તેમજ મોરબીના સોલ્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ અને જામનગર, ખંભાળિયા તથા દેશના અન્ય રાજ્યોના વહાણવટી ફેડરેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સરકારના આ સક્રિય અભિગમથી મોરબીની નિકાસ ક્ષમતા વધશે અને હેરિટેજ કળાના જતન સાથે બ્લુ ઈકોનોમીમાં નવી તકો સર્જાશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW