ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરાયેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. લગભગ સાડા ત્રણ માસ સુધી વિવિધ તબક્કાઓમાં હાથ ધરાયેલી અસરકારક કામગીરીના પરિણામે રાજ્યમાં કુલ 4.40 કરોડ મતદારો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ 5.60 લાખ મતદારોનો નેટ વધારો નોંધાયો છે, જે મતદાર નોંધણી પ્રક્રિયાની વ્યાપકતા દર્શાવે છે. રાજ્યભરના 50,963 BLO (બૂથ લેવલ ઓફિસરો) દ્વારા ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મનું વિતરણ કરી મતદારોના મેપિંગ અને મેચિંગની કામગીરી સુચારૂ રીતે પાર પાડવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન મતદાર યાદી વધુ પારદર્શક અને શુદ્ધ બને તે માટે ખાસ ધ્યાન અપાયું હતું.
આખરી મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની સત્તાવાર વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જ્યાં મતદારો પોતાનું નામ અને વિગતો ચકાસી શકે છે. SIR દરમિયાન એકત્રિત કરાયેલા નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ આગામી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે, જેથી માહિતી વધુ સચોટ બને.
તા. 1-1-2026ની લાયકાત તારીખે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને પણ મતદાર તરીકે નોંધાવા માટે તક ઉપલબ્ધ છે. તેઓ ફોર્મ નં. 6 ભરીને પોતાના નામનું નોંધણી કાર્ય કરી શકશે. સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત નાગરિકો ફોર્મ નં. 6, 7 અને 8 દ્વારા નામ દાખલ, કાપ અથવા સુધારણા માટે અરજી કરી શકશે.
રાજ્યમાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવતી આ વિશેષ ઝુંબેશથી મતદાર યાદી વધુ પારદર્શક અને વિશ્વસનીય બની છે.






