(અંજલી જય મહેતા)
ધુળેટીનો તહેવાર આનંદ, ઉમંગ અને રંગોની રેલમછેલ લઈને આવે છે. પરંતુ આજના સમયમાં આ ઉજવણી સાથે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પણ જોડાયેલો છે — શું આપણે રંગોના નામે પાણીનો બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ?
દેશના અનેક વિસ્તારોમાં પાણીની અછત ગંભીર બની રહી છે. ગામડાઓમાં મહિલાઓ કિલોમીટરો દૂરથી પાણી લાવે છે, તો શહેરોમાં ભૂગર્ભજળનું સ્તર સતત ઘટી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં તહેવાર દરમિયાન હજારો લિટર પાણી વેડફાઈ જાય, તે વિચારવા જેવી બાબત છે.
આ સંદર્ભમાં “Dry Holi” માત્ર એક ટ્રેન્ડ નથી, પરંતુ સમયની માંગ છે. પાણી વગર ઉજવાયેલી હોળી આનંદમાં કોઈ ઘટાડો કરતી નથી. કુદરતી ગુલાલ, સંગીત અને સંસ્કારી રીતે કરવામાં આવેલી ઉજવણી વધુ અર્થપૂર્ણ બની શકે છે.
આજની યુવા પેઢી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ બનાવે છે, વિચારોને વાયરલ કરે છે અને સમાજને દિશા આપે છે. જો યુવાનો આગળ આવી “Dry Holi”નો સંકલ્પ લે, તો તે માત્ર એક દિવસની ઉજવણી નહીં, પરંતુ જાગૃતિનું અભિયાન બની શકે છે. કોલેજો, સોસાયટીઓ અને યુવા મંડળો પાણી વગરની, પર્યાવરણમિત્ર હોળી ઉજવે — તો એ સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે.
હોળીનો સાચો અર્થ છે નકારાત્મકતાનો દહન અને સકારાત્મક વિચારનો વિજય. તો ચાલો, આ વર્ષે પાણીના અતિરેક ઉપયોગને દહન કરીએ અને જવાબદારીનો રંગ અપનાવીએ.




