મોરબી ડેપો ખાતે આજે મોરબીથી પુનાવાડા (ગુર્જર નગરી) સુધીની નવી એસ.ટી બસ સેવા પ્રજાની સુખાકારી માટે શરૂ કરવામાં આવી હતી. આ નવી બસ સેવાને શહેર માટે મહત્વપૂર્ણ સુવિધા તરીકે જોવામાં આવી રહી છે, જે મુસાફરોને વધુ સુવિધાજનક અને સરળ પ્રવાસ ઉપલબ્ધ કરાવશે.
આ પ્રસંગે મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા, મહામંત્રી ભુપતભાઈ જારીયા, રાજકીય અગ્રણી જયદીપભાઈ દેત્રોજા, ભાજપ અગ્રણી અનિલભાઈ વરમોરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા, પૂર્વ કાઉન્સિલર રોહિતભાઈ કણજારીયા તેમજ મોરબી ડેપોના મેનેજર કુંપાવત અને એસ.ટી સ્ટાફ હાજર રહ્યા હતા.
હાજર આગેવાનો દ્વારા લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
માહિતી મુજબ આ બસ મોરબીથી દરરોજ સવારે 7:00 વાગ્યે ઉપડી વાયા અમદાવાદ અને બાલાસિનોર થઈ પુનાવાડા પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે સવારે 8:30 વાગ્યે પુનાવાડાથી મોરબી પરત ફરશે.
નવી બસ સેવા શરૂ થતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને આ સુવિધા વિસ્તારના લોકો માટે લાભદાયી સાબિત થશે.





