મોરબી: દિલ્હી વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, કંડાઘાટના માર્ગદર્શન હેઠળ યોજાયેલ “ઓલ ઈન્ડિયા ઇન્ટર DWPS જુનિયર ક્રિકેટ પ્રીમિયર લીગ”માં DWPS મોરબી ટીમે ગૌરવપૂર્ણ જીત મેળવી ખિતાબ પોતાના નામે કર્યો છે.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન હિમાચલ પ્રદેશના નૌની ખાતે આવેલી ડો. યશવંત સિંહ પરમાર યુનિવર્સિટી મેદાનમાં યોજાઈ હતી. અંડર-15 વર્ગની આ સ્પર્ધામાં દેશના પાંચ અલગ અલગ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.
ફાઇનલ મુકાબલો ખુબ જ રોમાંચક રહ્યો હતો, જેમાં DWPS મોરબી ટીમે નોઈડા ટીમને 4 વિકેટથી હરાવી શાનદાર વિજય મેળવ્યો હતો. મોરબીના ખેલાડીઓએ સમગ્ર મેચ દરમિયાન ઉત્તમ રમત દેખાડી દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.
ઇનામ વિતરણ સમારોહમાં દિલ્હી વર્લ્ડ ફાઉન્ડેશનના ઓપરેશન્સ હેડ ઉમર ખુર્શીદ, ડિરેક્ટર જયવંત જોયલ વોલ્ટર, પ્રિન્સિપાલ રૂપાલી શાહ સહિત સ્કૂલ મેનેજમેન્ટ, ટ્રસ્ટીઓ, વાલીઓ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મોરબી ટીમની દિવ્યા જોટાનિયાને “પ્લેયર ઓફ ધ સિરીઝ”, વર્ચસ્વ શર્માને ફાઇનલ માટે “મેન ઓફ ધ મેચ” અને ધવલ ખરેએ “ઇમર્જિંગ પ્લેયર” એવોર્ડ મેળવ્યો હતો.
સમારોહનું સંચાલન મોરબીના મુખ્ય કોચ ડૉ. અલી ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ, આ ટુર્નામેન્ટ દર વર્ષે યોજાય છે અને આગામી સિનિયર સીઝન (સીઝન-3) નવેમ્બર મહિનામાં અજમેર ખાતે યોજાનાર છે.




