ટંકારા પોલીસની કાર્યવાહી: ૩ મહિના થી નાસતા આરોપી ને ઝડપી લીધો
મોરબી જિલ્લા: ટંકારા તાલુકાના છતર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયેલ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા મુખ્ય આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે.
આ કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના સૂચન અનુસાર, આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા અને નાસતા આરોપીઓને ઝડપવા અભિયાન ચાલી રહ્યું છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ, ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના સુચન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે. રાણા તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે છતર જી.આઈ.ડી.સી.માં પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયાએ ભાડે લીધેલા ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. અગાઉ કરાયેલી રેડ દરમિયાન પોલીસે ત્યાંથી
ઇંગ્લીશ દારૂની ૪૯૫૬ બોટલો (કિંમત રૂ. ૬૪,૪૨,૮૦૦/-)
પ્લાસ્ટિકના ચપલા ૨૭,૬૦૦ નંગ (કિંમત રૂ. ૨૭,૬૦,૦૦૦/-)
સહીત કુલ રૂ. ૧,૧૭,૨૨,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પરંતુ ગોડાઉન માલિક પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા તે સમયે ફરાર થઈ ગયો હતો. હવે ચોક્કસ માહિતીના આધારે મોરબીમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે આરોપીને અટકમાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે.




