મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં મોરબી-જેતપર રોડ ઉપર રામદેવ હોટલ સામે મોરબી તાલુકા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇસમને ચોરીની શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી દ્વારા મિલ્કત સંબંધિત ગુનાઓને અટકાવવા અને અનડિટેક્ટ કેસોને ઉકેલવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સક્રિય કામગીરી કરી રહી હતી.
આ દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.એસ. ઘેટીયા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા મોરબી-જેતપર રોડ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જેતપર તરફથી આવતો એક ઇસમ સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે જોવા મળતા તેને અટકાવવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા મોટરસાયકલના દસ્તાવેજોની માંગણી કરતા આરોપી કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યો ન હતો અને માલિકી અંગે સંતોષકારક જવાબ પણ આપી શક્યો નહોતો. જેથી મોટરસાયકલ ચોરીની કે છળકપટથી મેળવેલ હોવાની શંકા થતા પોલીસે તેને કબ્જે કરી લીધો હતો.
પોલીસે હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂ. 15,000) કબ્જે કરી બી.એન.એસ.એસ. કલમ 106(1) મુજબ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપી વિજયભાઈ બંસીભાઈ ભોજવીયા (રહે. ખાખરેચી, તા. માળીયા મીયાણા, જી. મોરબી) ને કલમ 35(1) ઈ મુજબ કાર્યવાહી કરી આગળ ની તપાસ પોલીસે હાથધરી છે
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સપેક્ટર એન.એસ. ઘેટીયા, પો.સ.ઈ. સી.એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. હાલ વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એ. વાઘડીયા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.




