મોરબી SOG પોલીસે નકલી ડોકટર ને ઝડપી લીધો
વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પર દવાખાનુ ચલાવતા એક બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. ટીમે પકડી પાડતા આરોગ્ય સાથે રમતા તત્વો સામે કડક સંદેશો ગયો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તેમજ પોલીસ અધીક્ષક મોરબીની સૂચના મુજબ એસ.ઓ.જી. દ્વારા ડિગ્રી વગર ડોકટરી પ્રેક્ટિસ કરતા નકલી ડોકટરો સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી. સ્ટાફે વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પર રોસા સિરામીક સામે આવેલ દવાખાનામાં રેડ પાડી હતી.
રેડ દરમિયાન આરોપી સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા ડિગ્રી વગર એલોપેથીક સારવાર આપતા ઝડપાઈ આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગેરકાયદેસર રીતે દવાઓ આપી સારવાર કરી રહ્યો હતો.
પોલીસે તબીબી અધિકારી PHC ઢુવાના સહકારથી સ્થળ પરથી વિવિધ દવાઓ, ઈન્જેક્શન, ટેબલેટ, સીરપ, સ્ટેથોસ્કોપ અને બ્લડ પ્રેશર માપવાનું સાધન સહિત કુલ ₹૪૩,૧૦૦/- નો મુદ્દામાલ તેમજ રોકડા રૂપિયા ₹૨,૦૦૦/- મળી કુલ ₹૪૫,૧૦૦/- જપ્ત કર્યા છે.
આ બનાવ અંગે આરોપી સામે બી.એન.એસ. 2023 ની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30, 33 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચાલુ છે.
આ કાર્યવાહીથી આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરોમાં ભયનો માહોલ સર્જાયો છે.




