મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ પીવાના પાણીની ગુણવત્તા જાળવવા કડક અભિયાન હાથ ધરી ચાર પાણીના પ્લાન્ટમાંથી નમૂનાઓ લીધા હતા. જેમાં સત્યમ વોટર, રાજા મિનરલ વોટર, દેવ વોટર સપ્લાય અને સુપર ડીલક્ષ વોટરનો સમાવેશ થાય છે.
લેબોરેટરી તપાસના પરિણામોમાં નવલખી રોડ પર આવેલા દેવ વોટર સપ્લાય તેમજ સુપર ડીલક્ષ વોટરના પાણીના નમૂનાઓ અસંતોષકારક આવતા મનપાની ફૂડ શાખાએ બંને પેઢીઓને નોટીસ ફટકારી છે. સાથે જ પાણીના શુદ્ધિકરણનું પરિણામ સંતોષકારક ન આવે ત્યાં સુધી કામગીરી બંધ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.
મનપાની ફૂડ શાખાએ સ્પષ્ટ કર્યું છે કે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા તમામ પાણીના પ્લાન્ટ સંચાલકોએ પાણીની શુદ્ધતા અને ગુણવત્તા જાળવવા ખાસ તકેદારી રાખવી જરૂરી છે. અન્યથા નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ કાર્યવાહીથી પીવાના પાણીની ગુણવત્તા મુદ્દે મનપા સજાગ હોવાનું ફરી એકવાર સાબિત થયું છે અને બેદરકાર સંચાલકો માટે ચેતવણીરૂપ સંદેશ આપવામાં આવ્યો છે.




