મોરબી: શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાકડા રોડ રસ્તાઓ અને ઔદ્યોગિક નગરી હોવાના કારણે Morbi શહેરમાં બહારના રાજ્યના કામદારોની મોટી સંખ્યામાં વસતિ છે, જેના કારણે વાહન વ્યવહાર સતત વધી રહ્યો છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે.
જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું લાગુ હોવા છતાં અનેક વાહનચાલકો “નો-પાર્કીંગ” વિસ્તારોમાં આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિક અવરોધ ઊભો કરતા હતા. આ સમસ્યાને કાબૂમાં લેવા માટે Morbi District Police દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક મુકેશ પટેલની દેખરેખ હેઠળ તા. ૦૨/૦૫/૨૦૨૬ થી શહેરમાં ટોઇંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે “નો-પાર્કીંગ” વિસ્તારમાં ઉભા કરાયેલા ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને ટોઇંગ વાહન દ્વારા ઉઠાવી લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી સાથે દંડ વસૂલવામાં આવશે.
ટોઇંગ માટે ખાસ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ટોઇંગ વાહનો શહેરમાં પેટ્રોલિંગ કરશે, જેથી જાહેરનામાનું ચુસ્ત પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુધરે.
પોલીસનો જનતા માટે મહત્વપૂર્ણ સંદેશ
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નાગરિકોને સૂચનાઓ આપવામાં આવી છે:
એમ.વી.એક્ટ મુજબ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરો
જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડેલ જાહેરનામાનું પાલન કરો
“નો-પાર્કીંગ” વિસ્તારમાં વાહન પાર્ક ન કરો
વાહનને નિર્ધારિત પાર્કીંગ જગ્યાએ જ પાર્ક કરો
વાહનમાં ડાર્ક ફિલ્મ (કાળા કાચ) નો ઉપયોગ ન કરો
શહેરમાં ટ્રાફિક સુવ્યવસ્થિત બનાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે તેવી પોલીસ વિભાગે આશા વ્યક્ત કરી છે.




