મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપે કુલ 24માંથી 17 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે જતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. એસટી અનામત પ્રમુખ પદ હોવાના કારણે કોંગ્રેસના ગીતાબેન દુબરીયા બિનહરીફ પ્રમુખ જાહેર થયા છે.
બીજી તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભાજપના વિપુલભાઈ કરશનભાઈ ગરચરની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત પક્ષના નેતા તરીકે સવિતાબેન લાલજીભાઈ રાઠોડ, દંડક તરીકે કાજલબેન ભરતભાઈ વિઠ્ઠલાપરા તથા કારોબારી ચેરમેન તરીકે મનિષકુમાર અનિલભાઈ કાંજીયાની વરણી કરવામાં આવી છે.
ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસ પાસે જતાં રાજકીય વિશ્લેષકો દ્વારા “ગઢ આલા પણ સિંહ ગેલા” જેવી સ્થિતિ ગણાવવામાં આવી રહી છે. હાલ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારો જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે.




