વિકાસ કાર્યોને વધુ વેગ આપવા કોન્ટ્રાક્ટરને આપ્યા જરૂરી સૂચનો
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. તે અંતર્ગત મોરબીના વોર્ડ નં-૭ વિસ્તારમાં ચાલી રહેલા સ્ટોર્મ વોટર વર્કનું ભાજપના કોર્પોરેટરોએ સ્થળ પર જઈ જાત નિરીક્ષણ કર્યું હતું.
વોર્ડ નં-૭ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રાએ આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર સુધી તેમજ સુપર ટોકીઝથી રેન બસેરા સુધી ચાલી રહેલા સ્ટોર્મ વોટર પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન કાર્ય વધુ ઝડપથી અને ગુણવત્તાસભર પૂર્ણ થાય તે હેતુસર કોન્ટ્રાક્ટરને સ્થળ પર રૂબરૂ બોલાવી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
કોર્પોરેટરોએ કામગીરી દરમિયાન નાગરિકોને ઓછી મુશ્કેલી પડે, રસ્તા પર સુરક્ષા જળવાય તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કામમાં ગુણવત્તા જળવાઈ રહે તે બાબતે ખાસ ધ્યાન આપવા સૂચના આપી હતી. સાથે જ કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ ભાર મુકવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઘટાડવા માટે વિવિધ વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઈનના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના કારણે આગામી સમયમાં સ્થાનિક રહેવાસીઓને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




