માળિયા મિયાણા : મોરબી જિલ્લાના માળિયા મિયાણા શહેરમાં જૂના બસ સ્ટેન્ડ નજીક ગઈકાલે સાંજના સમયે બનેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. છેલ્લા બે વર્ષથી ચાલતી ધંધાકીય અદાવતના ખાર રાખી કારમાં આવેલા શખ્સોએ એક આધેડ પર બંદૂક વડે અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા નિપજાવ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. બનાવ અંગે પોલીસે બે નામજોગ અને ચાર અજાણ્યા મળી કુલ છ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ માળિયા મિયાણાના જૂના બસ સ્ટેન્ડ નજીક રહેતા સાઇનાબેન હૈદરભાઈ મોવર (ઉ.વ. 26)એ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ હૈદરભાઈ સુમારભાઈ મોવરને છેલ્લા લગભગ બે વર્ષથી ધંધાકીય બાબતોને લઈને ઈલિયાસ મુસાભાઈ મોવર અને શફિર મુસાભાઈ મોવર સાથે મનદુઃખ અને અદાવત ચાલી રહી હતી.
ફરિયાદ અનુસાર, આ અદાવતનો ખાર રાખી આરોપીઓ કાળા રંગની શિફ્ટ કારમાં અન્ય ચાર અજાણ્યા શખ્સો સાથે આવ્યા હતા. તે દરમિયાન આરોપી શફિર મુસાભાઈ મોવર બંદૂક જેવા જીવલેણ હથિયાર સાથે ઉતરી આવ્યો હતો અને હૈદરભાઈને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન ગોળીઓ હૈદરભાઈના માથા, ગળા, છાતી અને પેટના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બનાવ બાદ ઇજાગ્રસ્ત હૈદરભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.
માળિયા મિયાણા પોલીસે ફરિયાદના આધારે આરોપી ઈલિયાસ મુસાભાઈ મોવર, શફિર મુસાભાઈ મોવર તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળના પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ આરોપીઓની શોધખોળ માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ધંધાકીય અદાવત હત્યાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે, જોકે સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.




